વાપીઃ ધરમપુરના તુતેરખેડ ગામે બીજી એપ્રિલે એકસાથે સમૂહલગ્નમાં ૧૧૨૧ આદિવાસી યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યાં છે, જેમાં પિતા-પુત્રે પણ એક મંડપની નીચે લગ્ન કર્યાં હતા. કેટલાંક યુગલોએ તો બાળકોને હાથમાં રાખીને લગ્નના ચાર ફેરા ફર્યા હતા. લગ્ન મહાકુંભમાં હાજર ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના તજજ્ઞે જણાવ્યું હતું કે, ઐતિહાસિક પ્રસંગનું ઓફ વર્લ્ડ રેકોર્ડમાં રજિસ્ટ્રેશન કરાશે.
અત્યાર સુધીમાં મિયામીમાં ૧૦૮૭ સમૂહ લગ્ન એક સાથે થયા હોવાનો રેકોર્ડ છે. જ્યારે તુતેરખેડ ખાતે દેશમાં સૌપ્રથમ વખત આદિવાસી વિસ્તારમાં ૧૧૨૧ સમૂહલગ્ન એકસાથે યોજાયાં છે, જેના કારણે સમૂહ લગ્નોત્સવને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળશે. ઇન્ડિયા આઈ ઇન્ટરનેશનલ હ્યુમનરાઇટ ઓબ્ઝર્વર, દિલ્હી દ્વારા ૧૧૨૧ આદિવાસી યુગલોના સમૂહ લગ્નનું ધરમપુરના તુતેરખેડમાં આયોજન થયું હતું.
ગિનિસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડના તજજ્ઞ અને ઇન્ટરનેશનલ ટ્રેનર અશ્વિન સુદાણીના જણાવ્યું છે કે, સૌપ્રથમ વાર મહાલગ્ન કુંભની એપ્લિકેશન આવી જેના આધારે ફોટા, વીડિયો, મેરેજ સર્ટિ. સહિત પુરાવા સાથે ગિનિસ બુકમાં રજિસ્ટ્રેશન થશે. ૧૦ દિવસમાં પ્રક્રિયા પૂર્ણ થશે. એકથી ત્રણ માસમાં આ અંગેનો નિર્ણય થશે. અગાઉ ૧૦૮૭ યુગલનાં મિયામીમાં એકસાથે લગ્ન થયા હતાં, પણ ૧૧૨૧ લગ્ન પ્રથમવાર થતાં આ સમૂહ લગ્નને સો ટકા ગિનિસ બુકમાં સ્થાન મળશે.