ભરૂચઃ અષાઢી બીજે ગુજરાતમાં અમદાવાદ સહિતના રાજ્યના વિવિધ નગરોમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળે છે. જોકે ગુજરાતમાં ભરૂચમાં ફુરજા બંદરે કામ કરતા મજૂરો અને ખલાસીઓ દ્વારા ૧૭મી સદીમાં રથયાત્રા નીકળતી હતી. જે પરંપરા છેલ્લા ૩૦૦ વર્ષથી અકબંધ છે. એ સમયે દેશ અને વિદેશથી બંદરે આવતા ખલાસીઓ રથ ખેંચતા હતા. આથી એવું માનવામાં આવે છે કે ગુજરાતમાં સૌ પ્રથમ જગન્નાથજીની રથયાત્રા ફુરજા બંદરેથી જ નીકળી હતી. ફુરજામાં ભગવાન જગન્નાથ મંદિર પણ છે.
૧૭મી સદીમાં ફુરજા દેશ અને વિદેશના વાહણોથી ધમધમતું બંદર હતું. અહીં ઓરિસ્સાના મજૂરો જહાજોમાં રોજગારી માટે આવતા હતા. ભરૂચના સ્થાનિક મજૂરો અને ઓરિસ્સાથી આવેલા મજૂરોએ ભેગા મળીને આ પરંપરા શરૂ થઈ હોવાની માન્યતા છે. આ બંદરે નારિયેળનો વેપાર મોટા પ્રમાણમાં થતો હોવાથી નાળિયેરના રેસામાંથી શ્રી કૃષ્ણ, બલરામ અને સુભદ્રાની મૂર્તિઓ તૈયાર થાય છે. આ મૂર્તિઓની દાયકાઓ સુધી પૂજા થતી હતી. ગત વર્ષે આ મંદિરમાં બિરાજમાન જગન્નાથજીની મૂર્તિનું વિસર્જન કરી ઓરિસ્સાના પુરીથી નવી મૂર્તિ લાવી પ્રતિષ્ઠા કરાઈ હતી. ૧૮૭૮માં ભરૂચના ખલાસીઓએ અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત નરસિંહદાસને નાળિયેરીના લાકડામાંથી તૈયાર કરેલા ત્રણ રથ પણ ભેટ આપ્યા હતા.