સુરત: ગુજરાતમાં એકાદ વર્ષથી સામાજિક અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટેની શૈક્ષણિક નીતિ માટે આંદોલન ચાલે છે, પણ સુરતની ઐતિહાસિક એવી એન્ડ્રુઝ લાઈબ્રેરી છેલ્લા ૧૦ વર્ષથી આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ શિક્ષણના પુસ્તકોનો ધોધ વરસાવી રહી છે. પહેલી જુલાઈએ આ પુસ્તકાલયને ૧૬૬ વર્ષ પૂરા થયા. એન્ડ્રુઝ લાઈબ્રેરીમાં ૨૮૦૦૦ અન્ય પુસ્તકો સાથે ઉચ્ચ શિક્ષણ માટેના ૬૦૦૦ પુસ્તકો છે. માત્ર ૫૦ રૂપિયાની વાર્ષિક ફીમાં પુસ્તકો ગરીબ-મધ્યમવર્ગના વિદ્યાર્થીઓ ઘરે લઈને વાચી શકે છે.
૧ જુલાઈ ૧૮૫૦માં તત્કાલીન કમિશનર મિ. એન્ડ્રુઝ અને શહેરના તે સમયના નગરશેઠ તથા દાતા રાયબહાદુર નગીનચંદ ઝવેરીના સહયોગથી ચોક બજારમાં એન્ડ્રુઝ લાઈબ્રેરીની સ્થાપના કરાઈ હતી. પહેલાં કલેક્ટર એન્ડ્રુઝનું નામ લાઈબ્રેરી સાથે જોડાયું હતું. ત્યારબાદ લાઈબ્રેરી સાથે નગીનચંદ ઝવેરીનું નામ જોડાયું હતું.
લાઈબ્રેરીના પ્રમુખ પ્રદીપ જરીવાલા કહે છે, આ મોંઘવારીમાં લોકાના ઘર નાના હોવાથી કેટલાક વિદ્યાર્થીઓ અમારી લાઈબ્રેરીમાં વાંચવા આવતા હતા. પરીક્ષા બાદ તેઓએ પુસ્તકો લાઈબ્રેરીને આપ્યા તે પુસ્તકો બીજાને કામ આવ્યા. આ વિદ્યાર્થીઓએ કરેલું વિદ્યાદાન અમારા માટે પણ પ્રેરણારૂપ બન્યું. અમે પણ અમારા બજેટમાં અન્ય પુસ્તકો સાથે અભ્યાસના પુસ્તકો લાવવાનું શરૂ કર્યું હતું. ઈજનેર અને તબીબી અભ્યાસ માટેના પુસ્તકો ઘણાં મોંઘા આવતાં હોય છે. તેવા પુસ્તકોની આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને વધુ જરૂર હતી તેથી અમે આવા પુસ્તકોની સંખ્યા વધારી દીધી છે. હવે દર વર્ષે સાહિત્ય સાથે અમે અભ્યાસના પુસ્તકો ખરીદવાની કામગીરી કરી રહ્યાં છે.