ભરૂચ: ભરૂચની દૂધધારા ડેરીના મેદાનમાં ૨૮મીએ દિવ્યાંગોને સાધન સહાયની વિતરણનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં ૪ કલાક ૫૦ મિનિટમાં ૨૬૦ વ્યક્તિઓને કૃત્રિમ અંગો બેસાડીને વિશ્વ વિક્રમ સ્થાપવામાં આવ્યો હતો. એલીમ્કો સંસ્થા તરફથી એક જ સ્થળે ૮ કલાકમાં સૌથી વધારે વ્યક્તિઓને કૃત્રિમ અંગો બેસાડવાનો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો. સવારે ૧૧.૧૫ કલાકે અંગો બેસાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાંજે ૪.૦૫ કલાકે ૨૬૦ વ્યક્તિઓને કૃત્રિમ અંગો બેસાડીને કેમ્પની સમાપ્તિ કરવામાં આવી હતી.
૨૯૦ મિનિટ સુધી ચાલેલી કાર્યવાહીનું જીવંત પ્રસારણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓએ બ્રિટનમાં બેસીને નિહાળ્યું હતું. આ ક્ષેત્રમાં વિશ્વ વિક્રમ સ્થાપિત કરવાનો આ પ્રથમ વખત જ પ્રયાસ કરવામાં આવ્યો છે. ભરૂચ શહેરમાં ૨૦૧૪થી ૨૦૧૯ના પાંચ વર્ષના ગાળામાં આ પાંચમો વિશ્વ વિક્રમ છે.