૩૧મી ઓક્ટોબરે એકતા દિવસની ઉજવણી: વડા પ્રધાન ઉપસ્થિત રહી શકે

Tuesday 18th August 2020 15:16 EDT
 
 

ગાંધીનગરઃ દર વર્ષે ૩૧મી ઓક્ટોબરે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવાનું કેન્દ્ર સરકારે નક્કી કર્યું છે. જેથી આગામી ૩૧મી ઓક્ટોબરે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રકક્ષાના એકતા દિવસની ઉજવણી કરાશે. આ ઉજવણીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહે તેવી પૂરી શક્યતાઓ છે. ગુજરાતના ગૃહ વિભાગે આ અંગેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. ૧૯મી ઓગસ્ટે મુખ્ય સચિવના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં આ સંદર્ભમાં એક મિટિંગ પણ યોજાશે.
આ મિટિંગમાં સૂચિત કાર્યક્રમો અંગે ટૂંકુ પ્રેઝન્ટેશન કરાશે. જેમાં પરેડનું સ્વરૂપ, પદપૂજા કાર્યક્રમની રૂપરેખા, પ્રદર્શનનો વ્યાપ, આમંત્રિતોની સંખ્યા, ભાગ લેનારા CAPF તથા અન્ય દળોનું પ્રતિનિધિત્વ, આવનારા લોકો માટે રહેવાની વ્યવસ્થા સહિતના મુદ્દાઓનો સમાવેશ થાય છે. આ મિટિંગમાં વડોદરાના પોલીસ મહાનિરીક્ષક, નર્મદાના જિલ્લા કલેક્ટર તથા એસપી વીડિયો કોન્ફરન્સથી હાજર રહેશે. બીજી બાજુ વડા પ્રધાન મોદીના આગમનનો આખો શિડયુલ વડા પ્રધાન કાર્યાલય તૈયાર કરી રહ્યું હોવાના અહેવાલ છે. જે ફાઈનલ થયા બાદ ગુજરાત સરકારને વડા પ્રધાનનો મિનિટ ટુ મિનિટનો કાર્યક્રમ મોકલી દેવાશે.
કેવડિયામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સુરક્ષા
સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા હાલમાં એસઆરપી અને પોલીસ સંભાળે છે, પરંતુ સોમવારથી સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદરનો સુરક્ષાનો હવાલો પોલીસ અને એસઆરપી પાસેથી લઇને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિકયુરીટી ફેર્સ એટલે કે સીઆઇએસએફ્ને સોંપી દેવાશે. ૧૭મી ઓગસ્ટે ૨૭૦ જવાનોને કેવડિયામાં મોકલી આપવામાં આવશે. એવા અહેવાલ છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter