નવસારીઃ ‘બેટી બચાવો - બેટી ભણાવો’ના સૂત્ર સાથે લંડનથી ૩૨ દેશોનો પ્રવાસ કરી એનઆરઆઇ મહિલા ભારૂલતા કાંબળે ૨૬મી નવેમ્બરે નવસારી આવી પહોંચી હતી. ૫૭ દિવસમાં ૩૨ દેશોમાંથી આ કાર પસાર થઇને નવસારી પહોંચી હતી. ભારૂલતા કાંબળેનું નવસારી પાલિકાની કચેરી બહાર પાલિકા પ્રમુખ અલકાબહેન દેસાઇ સહિત મહાનુભવોએ સ્વાગત કર્યું હતું. મૂળ નવસારીના પડઘા ગામના ભારૂલતા કાંબળેએ કાર ડ્રાઇવ કરીને ૩૨ દેશોનો ૩૧૮૦૦ કિલોમીટરનો પ્રવાસ કરીને ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો દાવો નોંધાવ્યો છે.
બ્રિટિશ - ઓસ્ટ્રેલિયન ભારૂલતા સુબોધ કાંબળે (ઉ.વ. ૩૯)એ ૧૩ સપ્ટેમ્બરના રોજ ઇંગ્લેન્ડથી ઇન્ડિયા સુધીનો ૩૧૮૦૦ કિલોમીટરનો પ્રવાસ પ્રારંભ કર્યો હતો. ભારૂલતા બીએમડબલ્યુ કાર એકલા ડ્રાઇવ કરીને નવસારી પહોંચ્યા છે.
એલએલબી સુધી અભ્યાસ કરનારા ભારૂલતાનાં પતિ ડો. સુબોધભાઇ કાંબળે ઇંગ્લેન્ડમાં રોબોટિક સર્જરીના નિષ્ણાત છે. તેમના પરિવારમાં બે પુત્રો મોટો પ્રિયમ (ઉ. વ. ૧૦) અને નાનો આરૂષ (ઉ. વ. ૮) છે.
ભારૂલતાએ ૮મી નવેમ્બરે ભારતમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં પરિવાર સાથે નવી દિલ્હીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. ૩૦ નવેમ્બરે તેઓ મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડ ગામે આ પ્રવાસની પૂર્ણાહુતિ કરશે. આ ગામ તેમનું સાસરું છે.