મૂળ અંકલેશ્વરના અને હાલ યુએસના એરિઝોનામાં રહેતા વિશાલ પટેલે સૌથી નાની વયે ઓછા સમયમાં ૫૪ દેશોની મુલાકાત લઇને વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. વર્ષ ૧૯૮૦માં અંકલેશ્વરમાં જન્મેલા વિશાલે વર્ષ ૨૦૦૬થી લઇને ૨૦૧૫ સુધીમાં ૫૪ દેશોની મુલાકાત લીધી હતી. તેણે વિવિધ દેશોની સ્થાનિક પ્રજાની રહેણી કરણી અને સંસ્કૃતિનું અધ્યયન કરીને નોંધપોથી પણ બનાવી છે. નવાઈની વાત એ છે કે વિશાલ માત્ર પ્રવાસનો શોખીન છે અને જાણ બહાર જ તેના નામે વર્લ્ડ રેકોર્ડ થઈ ગયો છે.
વિશાલે ૫૪ દેશોની મુલાકાત માત્ર ૩૬ વર્ષની વયમાં જ કરી છે તે વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડિયા નામની સંસ્થાને ધ્યાને આવતાં સંસ્થાના ચીફ એડિટર પાવન સોલંકીએ તેને વર્લ્ડ રેકોર્ડઝ ઇન્ડિયાના ર્સિટફિકેટ, શિલ્ડ અને મેડલ તેને અર્પણ કર્યાં હતાં. ઉલ્લેખનીય છે કે વિશાલ પટેલ સંબંધમાં અંકલેશ્વર ન.પા.ના. પૂર્વ પ્રમુખ સંદીપ પટેલના ભાઇ છે.