૪૫૧ દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસૂરીશ્વર કાળધર્મઃ ઉત્તરાધિકારી તરીકે પુણ્યરત્નસૂરીશ્વરજી

Wednesday 22nd July 2020 07:04 EDT
 

સુરત: દીક્ષાદાનેશ્વરી તરીકે જાણીતા આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ ૧૩મી જુલાઈએ મધરાત્રિએ ૩.૨૦ વાગ્યે કાળધર્મ પામતાં જૈન સમાજ શોકમગ્ન થઇ ગયો હતો. ૬૭ વર્ષનો દીક્ષાપર્યાય અને ૮૮ વર્ષની વય ધરાવતા આચાર્ય ગુણરત્નસૂરીશ્વર મહારાજ સાહેબે અત્યાર સુધી ૪૫૧ દાનેશ્વરી બન્યા હતા. તેમની નિશ્રામાં થયેલી સામૂહિક દીક્ષા, ઉપધાન તપ, નવ્વાણું યાત્રા સહિતના અનેક ધાર્મિક પ્રસંગો જિનશાસનમાં યાદગાર મનાય છે.
૧૪મી જુલાઈએ બપોરે ૩ કલાકે તેમની પાલખીયાત્રા બાદ વેસુ સ્થિત મહાવિદેહ ધામમાં અગ્નિસંસ્કાર કરાયા હતા.
મુનિરાજ ભવ્યરત્નવિજય (સંસારી નામ ભંવરલાલ દોશી-દિલ્હી)ના સંસારી પરિવાર સંઘવી રૂંઘનાથમલજી સમરથમલજી દોશી પરિવારે રૂ. ૧.૧૨ કરોડના ચઢાવાની બોલી લગાવીને તેમનાં અગ્નિસંસ્કારનો લાભ લીધો હતો. વેસુ સ્થિત મહાવિદેહ ધામમાં તેમની અગ્નિસંસ્કાર વિધિ કરાઇ હતી. હજારો શ્રાવકોએ ઘર બેઠાં પાલખીયાત્રાના ઓનલાઇન દર્શન કર્યા હતા. જ્યારે વિવિધ ક્રિયાના ચઢાવા પણ ઓનલાઇન બોલાયા હતા.
ગુણરત્નસૂરીશ્વર મ.સા.ની નિશ્રામાં ૩ વર્ષમાં સો દીક્ષા
આચાર્ય ગુણરત્નસૂરીશ્વરને સુરત સાથે ઘણો નિકટનો સંબંધ રહ્યો છે. તેમની નિશ્રામાં પ્રથમ સામૂહિક ૨૮ દીક્ષા સુરતમાં થઇ હતી. આ સિવાય ૩૦૦મી, ૪૦૦મી અને ૪૫૦મી દીક્ષા પણ સુરતમાં જ થઇ હતી. છેલ્લા ત્રણ વર્ષમાં ૧૦૦થી વધુ દીક્ષાઓ સુરતમાં આપી છે.
સુરત સિવાય પાલિતાણામાં સામૂહિક ૩૮ દીક્ષા, અમદાવાદમાં ભંવરલાલ દોશીની ઐતિહાસિક દીક્ષા, પાલિતાણામાં ઐતિહાસિક વિનીતાનગરી ચાતુર્માસ, ૬૦૦૦ યાત્રિકોનો છરીપાલક સંઘ, પાવાપૂરી તીર્થ જેવા અનેક ધાર્મિક પ્રસંગોના તેઓ વરીષ્ઠ માર્ગદર્શક રહ્યા હતા.
ઉત્તરાધિકારી તરીકે પુણ્યરત્નસૂરીશ્વર મ.સા.
ગુણરત્નસૂરીશ્વરજીની વિદાય પછી આચાર્ય રશ્મિરત્નસુરીશ્વરના માર્ગદર્શન હેઠળ ગુણરત્નસૂરીશ્વરજીની થ્રીડી ડિજિટ્સ ગુણાનુવાદ સભા યોજાઇ હતી. તેમાં ૫૦થી વધુ આચાર્ય ભગવંતોએ ગુણરત્નસૂરીશ્વરજીને શ્રદ્ધાંજલિ સંદેશાઓ આપ્યા હતા તથા ૨૬ પ્રવક્તાઓ - ઉદ્યોગપતિઓએ સંવેદના રજૂ કરી હતી. આ સાથે જ ગુણરત્નસૂરીશ્વરજીના ઉત્તરાધિકારી તરીકે આ.ભ. પુણ્યરત્નસુરીશ્વર મહારાજ સાહેબના નામની ઘોષણા કરાઈ હતી.
‘રત્ન’ અને ‘રેખા’ની પરંપરા યથાવત
રશ્મિરત્નસૂરીશ્વરજીએ કહ્યું હતું કે, દીક્ષાદાનેશ્વરી મહારાજે એક વર્ષ પૂર્વે જ ભાવિ વ્યવસ્થા અંગેનો પત્ર બંધ કવરમાં ગચ્છાધિપતિ જયઘોષસૂરીજીને આપી દીધો હતો. વર્તમાન ગચ્છાધિપતિ રાજેન્દ્રસૂરીજીની આજ્ઞા અનુસાર તે પત્ર જાહેર કરાયો હતો. જેમાં જણાવ્યા અનુસાર ગુરુદેવનીનાં જૂથમાં ૭૦૦ અઠ્ઠમતપનાં તપસ્વી પુણ્યરત્નસૂરીશ્વર ઉત્તરાધિકારી તરીકે ઘોષિત થયાં હતાં.
તેઓ સંપૂર્ણ સમુદાયનું સંચાલન કરશે અને તેમાં સહાયક રશ્મિરત્નસૂરીજી રહેશે. તેમજ ૩૭૦દ શ્રમણી સાધ્વીગણનું સંચાલન પણ રશ્મિરત્નસૂરીશ્વરજી કરશે. તેમણે કહ્યું કે, આજ સુધી જો ભાઇની દીક્ષા થાય તો તેની પાછળ ‘રત્ન’ અને બહેનની દીક્ષા બાદ ‘રેખા’ લાગી જતું એ પરંપરા પણ યથાવત રહેશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter