• ડાંગ સ્વરાજ આશ્રમમાં નવા કુમાર છાત્રાલયનું લોકાર્પણ કરાયુંઃ આહવામાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપતસિંહ વસાવા, પ્રધાન નાનભાઈ વાનાણી, ડો. મનસુખભાઈ માંડવિયા, ભરતસિંહજી પરમાર, મંગળભાઈ ગાવિત તેમ જ સ્વૈચ્છિક સંસ્થાઓ, દાતાઓની ઉપસ્થિતિમાં કુમાર છાત્રાલય લોકાર્પણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ગણપતસિંહ વસાવાએ દાતાઓને અભિનંદન આપ્યા હતા.
• શ્રી હરિ જેમ્સમાં રૂ. ૧૦૦૦ કરોડની કરચોરીઃ કતારગામમાં આવેલી હરિજેમ્સ હીરાની પેઢીમાંથી રૂ. એક હજાર કરોડનાં બેનામી હિસાબો ૨૨મીએ મળી આવ્યા હતા અને આવકવરા વિભાગે પૂરા નવ મહિના તપાસ ચલાવીને હીરાની પેઢી પાસથી રૂ. એક હજાર કરોડના કાળા નાણાની કબૂલાત કરાવી હતી. આ ઘટના પછી આગામી દિવસોમાં અનેક હીરાની પઢીઓનાં બેનામી વ્યવહારો જાહેર થવાની સંભાવના આઇટીનાં સૂત્રોએ વ્યક્ત કરી છે.
• ભરૂચ હાઈવે ઉપર ૨૫ કિમી સુધી ટ્રાફિકજામઃ નેશનલ હાઈવે ઓથોરિટી તથા એલએન્ડટી દ્વારા ભરૂચ નજીક નેશનલ હાઈવે નં. ૮ ઉપર પ્રિ- મોન્સુન કામગીરીના ભાગરૂપે નવા સરદાર બ્રિજ ઉપર રિ- કાર્પેટીંગ તથા ર્સિવસ રોડ ઉપર કાર્પેટીંગની કામગીરી ચાલે છે. જેના કારણે રાત્રે એક જ લેન પરથી ટ્રાફિકનું આવાગમન થાય છે જેથી તાજેતરમાં આશરે ૨૫ કિમી જેટલો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. નેશનલ હાઈવે નં. ૮ ઉપર ભરૂચ નજીક હાલ નવા બ્રિજના નિર્માણની કામગીરી તેમજ ઝાડેશ્વર ચોકડી અને મુલદ ચોકડી નજીક ફલાય ઓવર બનાવવાની કામગીરી ચાલી રહી છે.
• સુરતમાં ઇ-રિક્ષા, ઇ-ટેમ્પો માટે આરટીઓની મંજૂરી મંગાઈઃ સુરતમાં પેટ્રોલ કે સીએનજીથી ચાલતી રિક્ષાઓ શહેરમાં દોડતી દેખાય છે, પણ હવે સુરતના રસ્તાઓ પર ઇલેક્ટ્રોનિક રિક્ષા એટલે ઇ રિક્ષા પણ દોડતી થઈ જાય તો નવાઈ નહીં. એક ખાનગી ઓટોમોબાઈલ કંપનીએ સુરતમાં ઇ ઓટો રિક્ષા અને ઇ ટેમ્પો વેચી શકાય તે માટે સુરત આરટીઓ પાસે વ્હીકલ રજિસ્ટ્રેશનની પરવાનગી માગી છે.