વલસાડ : શહેરના છીપવાડામાં રહેતા વૃદ્વ દંપતી વચ્ચે ધૂળેટીની રાત્રે ઝગડો થતાં પત્નીએ પતિના માથામાં કપડા ધોવાનો ધોકો મારીને હત્યા કરી નાંખી હતી. પતિ ખોટો વહેમ રાખીને ગાળો આપીને વારંવાર ઝગડો કરતા હોવાથી વૃદ્વાએ ગુસ્સામાં આવી તેમને માથામાં ધોકો માર્યો હતો.
દંપતીની બંને પરિણીત પુત્રી વિદેશમાં સ્થાઇ થયેલી છે. ઘરમાં વૃદ્વ દંપતી એકલવાયું જીવન જીવી રહ્યાં હતાં. દરમિયાન લક્ષ્મીબેન જ્યારે પણ બહાર કામે જતા કે મહાદેવ મંદિરે જઇને ઘરે આવતા ત્યારે પતિ અમરતભાઇ ગુસ્સે થઇ કોને મળવા જાય છે? એમ કહીને ખોટા વહેમો સાથે અવારનવાર પત્ની સાથે ઝગડો કરતા હતા. આ અંગે લક્ષ્મીબેને ધરાસણા રહેતા તેમના પતિના ભત્રીજા કલ્પેશભાઇને પણ જાણ કરી હતી. આટલી ઉમરે આવા ખોટા વહેમ અને આક્ષેપોને લઇ બંને વચ્ચે અવારનવાર ઉગ્ર બોલાચાલી થતી રહેતી હતી. દરમિયાન ધુળેટીના દિવસે રાત્રે તેમના વચ્ચે ઘર્ષણ થતાં અમરતભાઇએ પત્ની પર બાટલીનો છુટ્ટો ઘા કર્યો હતો, પણ લક્ષ્મીબેન બચી ગયા હતા. આ પછી અમરતભાઇ તેમને મારવા માડતા લક્ષ્મીબેને આવેશમાં કપડા ધોવાનો ધોકો પતિ અમરતભાઇના માથામાં ઝીંકી દેતા ગંભીર ઇજા પહોંચી હતી. અમરતભાઇને સિવિલમાં ખસેડાયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું.