સુરતઃ છેલ્લા કેટલાક સમયમાં સુરત અને આજુબાજુના વિસ્તારના બ્રેઈન ડેડ વ્યક્તિઓના શરીરના અંગોમાંથી અનેકને નવજીવન મળ્યું છે. સુરતમાંથી સતત પાંચમું હાર્ટ મુંબઈ ટ્રાન્સપ્લાન્ટ ૨૪મીમેએ કરાયું છે. ૭૭ મિનિટમાં સુરતથી ધબકતું હૃદય મુંબઈસ્થિત દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે.
રમેશભાઈ પટેલ (૫૩) વાહન પરથી સ્લિપ થઈ જતાં ૨૩મીએ તેમને બ્રેઈન ડેડ જાહેર કરાયા હતા. સૌરાષ્ટ્ર પટેલ સમાજના કાનજીભાઈ ભાલાળા અને જી. આર. સિસોદિયાએ બ્રેઈન ડેડ રમેશભાઈ પટેલની માહિતી ડોનેટ લાઈફ સંસ્થાના નિલેશભાઈ માંડલેવાળાને આપી હતી. રમેશભાઈના પરિવારને અંગદાન અંગે રાજી કરાયા હતા.
દાનમાં મેળવવામાં આવેલું હાર્ટ સુરતના કતાર ગામના રહેવાસી ભરતભાઈ મોદી (૫૪)માં મુંબઈની મુલુંડ સ્થિત ફોર્ટીસ હોસ્પિટલમાં ડો. અન્વય મૂલે અને તેની ટીમે કર્યું હતું.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે સુરત શહેર પોલીસ દ્વારા ગ્રીન કોરીડોરની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. સુરતથી મુંબઈ લઈ જવા અને મુંબઈસ્થિત દર્દીમાં ટ્રાન્સપ્લાન્ટની પૂરી પ્રક્રિયામાં ૭૭ મિનિટનો સમય લાગ્યો હતો.