સુરતઃ ભીમરાડના ગ્રામવાસીઓ અને ભીમરાડ ગામ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત દાંડીયાત્રા ૯મી એપ્રિલે ઉંબેરગામથી ખજોદ ચોકડી થઈ ભીમરાડ ગામ ખાતે આવી પહોંચી હતી. ૮૬ વર્ષ અગાઉ દાંડીકૂચ દરમિયાન નવમી એપ્રિલે દાંડીયાત્રા ભીમરાડ ગામ ખાતે પહોંચી હતી, જેના ઉપલક્ષ્યમાં ભીમરાડ ગામના રહીશો તેમ ભીમરાડ ગામ યુવા વિકાસ ટ્રસ્ટ દ્વારા ગાંધી મહોત્સવની ઉજવણીનું આયોજન કરાયું હતું. માટે ભીમરાડ ખાતે ગાંધીજીની પ્રતિમા પણ મુકાઈ હતી.
ગાંધી ટોપી અને ખાદીમાં સજ્જ લોકો, ઘોડે સવાર અને બળદગાડા સાથે દાંડીથી નીકળેલી ભીમરાડ આવી આ પ્રસંગે યાત્રામાં ગાંધીજીનાં પૌત્રી નીલમબહેન ગાંધી, ઓબીસી એસસી એસટી એકતા મંચના અધ્યક્ષ અલ્પેશ ઠાકોર અને આમ આદમી પાર્ટીના નેતા કનુભાઈ કલસરિયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા.
મને અંદરથી સંભળાય છે,
બાપુ... બાપુ...
ગાંધીજીનાં પૌત્રી નીલમબહેને આ પ્રસંગે જણાવ્યું હતું કે, મને મારું બાળપણ યાદ આવે છે, બાપુ જ્યાં જાય ત્યાં તેમની પાછળ ફરતાં હતાં. મને અંદરથી સંભળાય છે, બાપુ... બાપુ... રામ... રામ... આ સાથે તેમણે બાપુનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં.