ડલાસ: શૂટઆઉટની વધુ એક ઘટનાએ અમેરિકાને રક્તરંજિત કર્યું છે. રવિવારે ટેક્સાસના ડલાસ ખાતે એલેન પ્રીમિયમ આઉટલેટ્સ મોલમાં એક બંદૂકધારીએ આડેધડ ગોળીબાર કરતાં આઠ લોકો માર્યા ગયા હતા જ્યારે નવ ઘવાયા હતા. બાદમાં એક પોલીસ ઓફિસરે હુમલાખોરને ઠાર મારીને સ્થિતિ અંકુશમાં લીધી હતી. મૃતકોમાં 27 વર્ષની ભારતીય યુવતી ઐશ્વર્યા થટીકોંડાનો પણ સમાવેશ થાય છે. ઐશ્વર્યા હૈદરાબાદની વતની હતી.
આ ઘટનાને નજરે નિહાળનાર વલસાડના વકીલ અને પાટીદાર સમાજના અગ્રણી ચેતન પટેલે એક અખબાર સાથેની સમગ્ર ઘટનાક્રમનો ચિતાર રજૂ કરતા જણાવ્યું હતું કે ગોળીબારના અવાજ અને ડરની ચિચિયારી વચ્ચે જીવ બચાવીને બહાર નીકળ્યા હતા.
ગોળીબારની આ ઘટનામાં ચેતનભાઇ અને તેમના પુત્ર ભવ્ય તેમજ અમેરિકામાં સ્થાયી થયેલા તેમના સંબંધી હરીહરભાઇ પટેલનો આબાદ બચાવ થયો હતો. તેઓ અમેરિકાના એલન મોલમાં સ્કેચર્સના આઉટલેટમાં અંદર પ્રવેશ્યા અને બે મિનિટમાં જ સ્ટોરથી માંડ 20 ફૂટના અંતરે ફાયરીંગ શરૂ થઇ ગયું હતું. આ સમયે સ્ટોર મેનેજરે સાવચેતી દાખવીને તરત જ દરવાજો બંધ કરી દઇને અંદર રહેલા તમામને સુરક્ષિત કરી દીધા હતા.
આખી ઘટનાને નજરે નિહાળનાર ચેતનભાઇએ જણાવ્યું હતું કે, આખો માહોલ હોલિવુડની ફિલ્મના દૃશ્ય જેવો હતો. મોલમાં ફાયરીંગ શરૂ થયું અને અમે સ્ટોરમાં બંધ થઇ ગયા. બીજી તરફ મારી પત્ની મોલમાં આવવાની હતી, પરંતુ તે મોલમાં આવી કે નહીં? તે ક્યાં હશે તેની ચિંતા થઇ રહી હતી. આથી અંદર આવ્યાના પાંચ મિનિટમાં તેને ફોન કર્યો તો તેણે કહ્યું તે મારી ભત્રીજી શિવાની સાથે પુત્રી ફેરીને લઇને કારમાં જ હતી અને ગોળીબારનો અવાજ સાંભળીને તેઓ કાર લઇને બહાર નીકળી ગયા હોવાથી સુરક્ષિત છે. પત્ની અને બાળકી સુરક્ષિત હોવાની ખાતરી બાદ થોડી રાહત થઇ હતી, પરંતુ મોલના સ્ટોરમાં અમે ક્યાં સુધી સુરક્ષિત રહેશું? એ ખબર ન હતી. જોકે, આવી રીતે દસથી પંદર મિનિટ પસાર થઇ ત્યાં તો પોલીસ પહોંચી ગઇ હતી. પોલીસને જોઇને થયું હવે અમે સુરક્ષિત બહાર નીકળી શકશું. પોલીસે પણ વળતું ફાયરિંગ કર્યું હતું. અંદાજીત 40 મિનિટમાં તો પોલીસે ફાયરિંગ કરનારને ઠાર માર્યો અને આખા મોલને ચારેતરફથી સિલ કરી દીધો. ત્યારબાદ પોલીસના 200થી વધુ જવાનોએ સામસામે લાઇનમાં ઉભા રહીને એક કોરિડોર બનાવ્યો હતો. આ કોરિડોર બનાવી તેઓ એક પછી એક દુકાન ખોલાવતા ગયા અને હાથ ઉંચા કરીને તમામ ફસાયેલા લોકોને કોરિડોરમાંથી સુરક્ષિત રીતે બહાર લઈ ગયા હતા. હું, મારો પુત્ર ભવ્ય અને મિત્ર હરીહર પટેલ પણ આ કોરિડોરમાંથી બહાર આવ્યા અને બહાર નીકળ્યા પછી જીવ બચી ગયાની 100 ટકાની ખાતરી થઇ હતી. ગોળીબારીનો અવાજ, ડરની ચિચિયારીઓ વચ્ચેથી જીવ બચાવીને બહાર આવવાની આ ઘટના જીવનભર ન ભૂલાય એવી હતી.
કાળજું કંપાવનારું રૂદન
ચેતનભાઇ કહે છે કે અમે જ્યારે મોલમાં ગયા અને મેનેજરે મોલના દરવાજા બંધ કરી દીધા ત્યારે એક મહિલાનો પતિ બહાર રહી ગયો હતો. થોડી વાર પછી તે આ સ્ટોરમાં પ્રવેશવા માટે દરવાજો ઠોકી રહ્યો હતો, પરંતુ તેને અંદર લેવાનું સ્ટોર મેનેજરે ટાળ્યું હતું. આવી સ્થિતમાં કોઇ કંઇ પણ બોલી શકતું ન હતું અને અંદર રહેલી તેની પત્નીએ કાળજું કંપાવનારું રૂદન કર્યું હતું. આ સ્થિતિ અકલ્પનીય હતી, જેને હેન્ડલ કરવી ખુબ જ કપરી હતી.