‘છાંયડો’ સંસ્થાના ભરતભાઇ શાહના ત્રણેય ભાઇઓના કોરોનાથી મૃત્યુ

Wednesday 29th July 2020 07:37 EDT
 
 

સુરતઃ વિખ્યાત સેવાસંસ્થા ‘છાંયડો’ના કર્તાહર્તા ભરતભાઈ વજહચંદ્ર શાહના ત્રણેય ભાઈનાં કોરોના સંક્રમણથી નિધન થયાં છે. ભરતભાઈના મોટાભાઈ હરેશચંદ્ર (ઉં ૭૮) અમરોલીની જીવનજયોત હોસ્પિટલમાં દાખલ હતા. દસ બાર દિવસ બીમાર રહ્યા અને કોરોનાથી તેમની તબિયત લથડતી ગઈ. ચાર દિવસ સુધી તેઓ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર હતાં. તેઓનું ૨૪મી જુલાઈએ અવસાન થયું હતું. આ સિવાય છેલ્લાં સાત દિવસમાં ભરતભાઈના બે ભાઈઓનું કોરોનાના કારણે જ મૃત્યુ થઈ ચૂક્યું હતું. છેલ્લા કેટલાય વરસોથી ‘છાંયડો’ અનેક સેવાકાર્યો કરે છે. સુરતની સિવિલ હોસ્પિટલમાં પ્રવેશો એટલે સૌપ્રથમ ‘છાંયડો’નું બોર્ડ દેખાય છે. લોકડાઉનમાં રોજના હજારો જરૂરતમંદોને સંસ્થાએ ફૂડપેકેટ આપ્યાં હતા. ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદીની ટીમે શરૂ કરેલા 5rotiwithNaMo અભિયાનમાં ‘છાંયડો’ સંસ્થા જોડાઈ હતી. સુરતની સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓનાં સંબંધીઓને રહેવા - જમવાની સુવિધાની શરૂઆત ‘છાંયડો’એ કરી હતી. દર્દીઓને વ્યાજબી ભાવે દવા અને અન્ય સારવાર માટે પણ સંસ્થા કાર્યરત છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter