સુરત : રાંદેર પોલીસે ઇ-કોપની મદદથી ભેસાણ ચોકડી પાસેથી બે ચેઇન સ્નેચરોને પકડી પાડ્યા છે. પકડાયેલા બંને પૈકીનો એક ટીવી એક્ટર છે તો બીજો બિલ્ડર છે. પોલીસ સ્ટાફ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતો. આ સમયે એક બાઇક ચોરીની હોવાનું માલુમ પડતાં પોલીસે બાઇકસવાર વૈભવ બાબુ જાદવ અને મિરાજ વલ્લભ કાપડીની ધરપકડ કરી હતી. પોલીસે તપાસ કરતાં તેમની પાસેથી સોનાની ત્રણ ચોરાઉ ચેઇન મળી આવી હતી. આ પછી ચેઇન અને બાઇક સહિત કુલ રૂ. ૨.૫૪ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પુછપરછમાં બંને મિત્રો હોવાની કબૂલાત કરી છે. મિરાજ ટીવી એક્ટર છે તો વૈભવ બિલ્ડર છે. આ બંને મિત્ર ક્રિકેટનો સટ્ટો રમતા હતા જેમાં તેમની સાથે રૂ. ૩૦થી ૪૦ લાખનું તોતિંગ દેવું થઇ જતાં ચેઇન સ્નેચિંગના રવાડે ચડી ગયા હતા. આ બંને વૃદ્વ મહિલાને નિશાન બનાવતા હતા. બંને વિરુદ્વ રાજ્યમાં ૧૨ પોલીસ કેસ નોંધાય છે. આ બન્નેની ધરપકડ સાથે જ રાંદેર-ઉધના વિસ્તારના ચેઇન સ્નેચિંગના ૪ ગુના ઉકેલાયા છે. વૈભવે બીએસસી કર્યું છે. જ્યારે મિરાજે બી.કોમનો અભ્યાસ કર્યો છે. મિરાજે તો ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’, ‘થપકી’, ‘સંયુક્તા’, ‘મેરે અંગને મેં’ જેવી સિરિયલોમાં કામ કર્યું છે.