અંકલેશ્વરઃ હત્યા, અપહરણ, લૂંટ અને ઘરફોડ ચોરીમાં કુખ્યાત બે રીઢા આરોપીને ૭મીએ સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યા હતા. આરોપી અમરસિંહ ઉર્ફે અમ્મુ ભીમસિંહ રાજપૂત (ઉં. વ. ૨૬) તથા જગદીશ ઉર્ફે જે. કે. ઉર્ફે જેડી તારાજી લોહાર (ઉં. વ. ૨૭) પાસેથી સોનાનાં ઘરેણાં (રૂ. ૧૨ લાખ), રોકડ રૂ. ૪.૧૫ લાખ, ૭ મોબાઇલ, ડોંગલ અને બેગ સહિત રૂ. ૧૬.૬૪ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો. પૂછપરછ દરમિયાન આરોપી અમરસિંહે જણાવ્યું હતું કે, ગામમાં મોટા ભાગના લોકો ચોરી-લૂંટ કરે છે. મને ૧૬ વર્ષની ઉંમરે થયું કે હું પણ ચોરી કરું, પછી ૧૬ વર્ષની ઉંમરે જ ચોરી કરવાનું શરૂ કર્યું હતું. છેલ્લાં ૧૦ વર્ષમાં ૩૭ ગંભીર ગુનાને અંજામ આપ્યો હતો.