સુરતઃ રાજ્ય સરકારે સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (સુડા)માં સમાવાયેલા ૧૦૪ ગામના ખેડૂતોને સાંભળીને ખેડૂતોને સંતોષકારક નિર્ણય જાહેર કર્યો હતો. કહેવાય છે કે એક તબક્કે સુડાના પ્લાનમાં સમાવાયેલા ગામોના કારણે ભાજપના કેટલાક ધારાસભ્યો માટે આવનારી ચૂંટણી જીતવી મુશ્કેલ બની હતી તેથી મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વવાળી સરકારે સામી ચૂંટણીએ પહેલીએ દક્ષિણના ખેડૂતોને ખુશ કરી દીધાં હતાં, વન પ્રધાન ગણપતસિંહ વસાવાના નેતૃત્વ હેઠળ સુરત ભાજપના ધારાસભ્યો, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલને મળ્યા હતા અને સુડામાં સમાવાયેલા ઓલપાડ, ચોર્યાસી, માંગરોળ, કામરેજ અને પલસાણા સહિતના પાંચ તાલુકાના ૧૦૪ ગામોને સુડામાં નહીં સમાવવા રજૂઆત કરી હતી જેના પગલે સરકારે નિર્ણય લીધો કે આ ગામોને સુડામાંથી કાઢી નાખવા.
બેઠકમાં પહેલાથી જ નીતિન પટેલનું વલણ સહાનુભૂતિપૂર્વકનું રહ્યું હતું. જેમાં ભાજપના ધારાસભ્યોની રજૂઆત બાદ પટેલે એવી સૂચના આપી હતી કે ખેડૂતોને રજૂઆતને પગલે જે ગામોનો વિરોધ હોય તે ગામો પડતા મૂકવા અને વિકાસની દૃષ્ટિએ જે ગામો અગાઉ સુડાના ડેવલપમેન્ટમાં પ્લાનમાં હોય અથવા તો સુડાના નકશામાં બોર્ડર પર આવેલા હોય, ખાસ કરીને રોડ રસ્તા કે વીજળીના કામો માટે જે ગામોનો ઉપયોગ કરવો પડે તેમ હોય તેવા ગામો જ પ્લાનમાં રાખવા.