સુરતઃ ૨૧ ફેબ્રુઆરી એટલે આંતર રાષ્ટ્રીય માતૃભાષા દિવસ. વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી થાય છે. દરેક દેશના લોકો પોતાની માતૃભાષાના જતન, સંવર્ધન માટેના કાર્યક્રમો યોજે છે. ભારત પણ વિવિધ ભાષા-બોલીઓનો દેશ છે. જેટલા રાજ્યો એટલી ભાષા. રાષ્ટ્રીય ભાષા હિન્દી પણ જુદી. વિવિધ પ્રદેશોમાં જુદા જુદા ધર્મ-કોમના લોકોએ વિકસાવેલી સ્થાનિક ભાષા પણ અલગ.
સુરતની જ વાત કરીએ તો સુરતના લોકોએ પણ પોતાના સ્વભાવ, પ્રકૃતિ મુજબ સુરતી નહીં પણ ‘હૂરતી’ ભાષા વિકસાવી છે. ‘સ’ની જગ્યાએ ‘હ’ અને ‘ણ’ની જગ્યાએ ‘ન’ નો ઉપયોગ કરતા સુરતીઓની ભાષા પણ અનોખી છે. દા.ત. દાણા-ચણાને દાના-ચના અને ‘સારુ’ ને ‘હારુ’ કહેતા સુરતીઓ જ્યાં જાય ત્યાં ખબર પડે કે સુરતથી આવ્યા. ભાષાએ એક સમૂહની ઓળખ હોય છે અને સુરતીઓ પોતાની જીવનશૈલીની સાથે બોલીથી પણ ઓળખાય છે. કેટલાક સુરતી ભાષામાં બોલાતા શબ્દો સાંભળીએ તો નવાઇ લાગે. નવી પેઢીના લોકોને ખ્યાલ પણ નહીં હોય કે બટાકાને અસ્સલ સુરતીઓ ‘આરબીયો’, દાળભાતને ‘દખુ-ચોખા’ અને છીંકણીને ‘તપખીર’, ગરોળીને ‘પલવડી’ને છોકરીને ‘પોરી’ કહેતા હતા. પિતાને ‘ડોહો’ કહેવાની હિંમત સુરતીઓ જ કરી જાણે. હું તો ચાલ્યો એવું કહેવાની જગ્યાએ ‘હું તો ચાઇલો’, આવ્યો ને ‘આઇવો’ અને પૈસાને ‘ચીચોડા’ કહે છે અત્યારના સુરતીઓ. આખા ગુજરાતમાં ચવાણું પ્રખ્યાત પણ જ્યાંનું ફરસાણ જગવિખ્યાત છે એ સુરતના લોકો તેને ‘ભૂસું’ કહે છે. ઉંઘી જવુંને બદલે ઉંઘાઇ જવું અને નાનોને ‘નાલ્લો’ કહે છે.