રાજપીપળા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીની જાહેરાત થઇ છે. ભાજપ-કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો એકબીજાના પક્ષના નેતા, કાર્યકરોને તોડી પોતાના પક્ષમાં જોડી રહ્યા છે. રાજપીપળા સ્ટેટના પ્રિન્સ કુંવર માનવેન્દ્રસિંહ ગોહિલ સહિત ટ્રાન્સ જેન્ડર્સનું એક મોટું જૂથ વડોદરામાં ભાજપમાં જોડાયું છે.
જે કદાચ ગુજરાતમાં રાજકારણમાં પ્રથમ ઘટના કહી શકાય, વડોદરા શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિજય શાહે તમામ ટ્રાન્સ જેન્ડર્સને તાજેતરમાં ભાજપનો ખેસ પહેરાવ્યો હતો અને ભાજપમાં આવકાર્યા હતા, પરંતુ તે પછી પ્રિન્સ માનવેન્દ્રસિંહ ગોહિલે સ્પષ્ટતા કરી કે, હું ભાજપમાં જોડાયો નથી. તેમણે કહ્યું કે, અમે વડોદરા ભાજપ કાર્યલયમાં કિન્નરોના કેટલાક પ્રશ્નો માટે ગયા હતા ત્યાં મિટિંગમાં મને સ્ટેજ પર બેસાડતા ખેસ પહેરાવ્યો હતો. તેનો મતલબ એ નથી કે હું ભાજપમાં જોડાયો છે. લોકોએ આ બાબતનું અર્થઘટન ખોટું કર્યું હતું.