દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા કરાયેલા ઇન્ટરોગેશનમાં ઝફર મસૂદને ધર્મઝનૂની યુવાઓને શોધી તેમને ઉશ્કેરીને આતંકી સંગઠન માટે કામ કરવા તૈયાર કરવાની જવાબદારી સોંપવામાં આવી હોવાનું બીજીએ બહાર આવ્યું હતું. દિલ્હી પોલીસે ડિસેમ્બર ૨૦૧૫માં ઉત્તર પ્રદેશના સાંભલ જિલ્લાના બિપાસરાઈ ગામના વતની ઝફ મસૂદ ઉલહસન શેખ નામના યુવકને આતંકી સંગઠનો સાથેની સાઠગાંઠને લઈ પકડ્યો હતો. તેના ઘરેથી ચાર પાસપોર્ટ મળ્યા હતા. જે પૈકી એક પાસપોર્ટ બોગસ દસ્તાવેજોના આધારે સુરતથી કઢાવાયો હોવાનું બહાર આવ્યું હતું. આ પ્રકરણે સુરત એસઓજીએ મસૂદને પાસપોર્ટ માટે મદદ કરનાર રાંદેરના સૈયદ પરવેઝ ગુરુમિયાં તથા કુમાર મંજિલમાં રહેતા સેક યાહ્યા ગુલામ મોહંમદની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. આ કાકા ભત્રીજાની પૂછપરછમાં એવી વાત બહાર આવી હતી કે ઝફર મસૂદ વર્ષ ૨૦૦૦થી ૨૦૦૩ સુધી તેમના મહોલ્લામાં ભાડેથી મકાન લઈને રહ્યો હતો. પાડોશી તરીકે ઓળખતાં હોઈ તેઓએ પાસપોર્ટની પ્રોસિજર વખતે રેફરન્સ આપ્યો હતો. આ ઉપરાંત તપાસમાં જણાયું છે કે મસૂદ ભરૂચમાં પણ ખાસ્સો સમય રોકાયો હતો અને ત્યાંથી પોતાને સોંપાયેલી પ્રવૃત્તિઓને અંજામ આપતો હતો.
• ‘પાક. કલાકારોના નાણાં આતંકી હુમલો કરવા વપરાય છે’ સુરતના ઘોડદોડ રોડ ખાતે મિચ્છામી દુક્કડમ કાર્યક્રમમાં વિશ્વ હિંદુ પરિષના મહામંત્રી પ્રવિણ તોગડિયાએ પાકિસ્તાની કલાકારોને ભારતમાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવાની માગ બીજી ઓક્ટોબરે કરી હતી. તેમણે કહ્યું હતું કે, ભારતમાં કમાણી કરતા પાકિસ્તાની કલાકારોના પૈસાથી પાકિસ્તાન ભારત પર આતંકવાદી હુમલા કરે છે. હિંદુ સમાજે પોતાની વસ્તી વધારવી જોઈએ. ભારત સરકારે માંસની નિકાસ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવો જોઈએ.
• વઘઈમાં લાશ ખભે ઊંચકી લઈ જવી પડીઃ પંચમહાલ જિલ્લામાં આવેલા ખોળાજરના મજૂરો મજૂરી માટે વઘઈ આવે છે. આ મજૂરો પૈકીનાં ૧૪ વર્ષના બાળક મિનેશકુમાર કેશુ પલાસની તબિયત લથડતાં તેને પહેલીએ વધઈ આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયો હતો. સારવાર દરમિયાન મિતેશનું મોત નીપજ્યું હતું. વઘઈનાં આરોગ્ય કેન્દ્રના ડોક્ટર સરોજ પટેલને અન્ય મજૂરોએ શબવાહિની આપવાની આજીજી કરી, પણ ડ્રાઈવર રજા પર હોઈ કેન્દ્રએ શબવાહિની ન ફાળવતાં મજૂરોએ મિનેશનું શબ ખભે ઉપાડી જવું પડ્યું હતું.
• ટ્રકની ટક્કરથી ટ્રેકટરની ટ્રોલીમાં બેઠેલા ચારનાં મોતઃ કઠલાલ બાલાસિનોર હાઇવે પરના લસુન્દ્રા ગાના ઓવરબ્રિજ પર પૂરઝડપે આવતી ટ્રકે આગળ જતા ટ્રેકટરની ટ્રોલીને ટક્કર મારતા ટ્રોલી પલટી ગઈ હતી અને ટ્રોલીમાં બેઠેલા બે યુવકોના સ્થળ પર અને અન્ય બે યુવકોના હોસ્પિટલમાં મોત નીપજ્યાં હતા. આ ઘટનામાં ૨૯ વ્યક્તિ ઈજાગ્રસ્ત થતાં તમામને નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા.