નર્સિંગની વિદ્યાર્થિની પર દુષ્કર્મનાં કેસમાં પારૂલ યુનિ.ના પૂર્વ પ્રમુખ ડો. જયેશ પટેલ વિરુદ્ધ પોલીસે કોર્ટમાં ૫,૫૬૮ પાનાની ચાર્જશીટ દાખલ કરી હતી. પોલીસે રજૂ કરેલી ચાર્જશીટમાં ૧૮મી જૂનનાં રોજ વિદ્યાર્થિની પર ડો. જયેશે બળાત્કાર ગુજાર્યો હોવા અંગેની વિગતો અને ગુનો નોંધાયો તેની માહિતી હતી.
• સુરતનું હાઇએસ્ટ રૂ. ૫૫ કરોડનું ડિસ્કલોઝરઃ આઇડીએસ (ઇન્કમ ડેકલેરેશન સ્કીમ)માં સુરતમાંથી અત્યાર સુધી કુલ રૂપિયા ૩૫૦ કરોડની બ્લેકમની જાહેર થઈ છે. જેમાં ઓનલાઇન સબમિશનમાં વ્યક્તિગત રૂપિયા ૫૫ કરોડ પણ ડિકલેર કરાયા છે. નવમીએ વરાછાના એક બિલ્ડર દ્વારા રૂપિયા ૨.૩૦ કરોડની બેહિસાબી નાણાની જાહેરાત કરાઈ હતી. એક શક્યતા એ પણ દર્શાવવામાં આવી રહી છે કે ૧૭મી સપ્ટેમ્બરના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી નવસારીની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે મોદીની ગુડબુકમાં આવવા માટે પણ કેટલાક મોટાં માથાં જાહેરાત કરી શકે છે.
• મિડ-ડે મિલની ખીચડીમાં મરેલો દેડકોઃ વલસાડના સરોધી ગામની પ્રાથમિક શાળામાં ત્રીજી સપ્ટેમ્બરે બપોરે સ્ત્રીશક્તિ એનજીઓ દ્વારા મોકલાયેલી ખીચડીના ડબ્બામાંથી દેડકાનું મરેલું બચ્ચું મળતાં શાળાના આચાર્ય વસંતભાઇ ટંડેલે એનજીઓના સંચાલક મિનેશ પટેલને જાણ કરી હતી. એનજીઓના બે કર્મચારીઓ તરત જ શાળાએ દોડી ગયા અને ખીચડીના ભરેલા ડબ્બા લઇને ચાલતી પકડી હતી. એ પછી શાળાએ ઘટનાની જાણ નાયબ મામલતદાર સુમનભાઇને કરી. તેમણે ઘટના સાથે સંકળાયેલા સૌનાં નિવેદન લીધા બાદ રિપોર્ટ નાયબ કલેકટરને રજૂ કર્યો હતો. આ ઘટનાના અહેવાલને પગલે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે સુઓમોટો કાર્યવાહી હાથ ધરી છે.