નોટબંધી પછી પણ સુરત - દિલ્હી વચ્ચે ચાલતી એર ઈન્ડિયાની સવારની અને સાંજની એરબસ ફ્લાઈટમાં પેસેન્જરોની સંખ્યામાં વધારો જ નોંધાયો છે. નવેમ્બર અને ડિસેમ્બર-૨૦૧૬માં એર ઈન્ડિયાને સુરત-દિલ્હી રૂટ પર ૮૮ ટકાથી વધુ પેસેન્જર મળ્યા છે. નવેમ્બરમાં નોટબંધી હોવા છતાં ૧૫,૪૧૨ પેસેન્જર મળ્યા હતા. જોકે, ડિસેમ્બરમાં એર ઈન્ડિયાએ જૂની નોટમાં પેમેન્ટ લેવાનું બંધ કર્યું હોવા છતાં દિલ્હીથી ૧૦,૫૦૪ પ્રવાસીઓ સુરત આવ્યા હતા અને ૯,૬૦૯ પ્રવાસીઓ સુરતથી દિલ્હી ગયા હતા. માત્ર ડિસેમ્બર માસમાં જ ૨૨,૬૫૨ સીટમાંથી ૨૦,૧૦૮ સીટ વેચાઈ ગઈ હતી. એર ઈન્ડિયાની વેચાયેલી કુલ સીટમાંથી ૮૮.૭૭ ટકા પેસેન્જર સુરતથી મળ્યા હતા.
• શાંતિ મંદિરમાં સંસ્કૃત મહાવિદ્યાલયનું ઉદ્ઘાટનઃ વલસાડના મગોદમાં આવેલા શાંતિમંદિરમાં નવનિર્મિત શ્રી મુક્તાનંદ સંસ્કૃત મહાવિદ્યાલયનું સ્વામી નિત્યાનંદ સરસ્વતીના હસ્તે એલએનટી ગ્રૂપના એક્ઝિક્યુટિવ ચેરમેન એ. એમ. નાઈકની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોલેજમાંથી એમએ વૈદિક સંસ્કૃત શિક્ષણની ડિગ્રી વિદ્યાર્થીઓને પ્રાપ્ત થશે. શાંતિ મંદિરના સ્થાપક અને આદ્યાત્મિક ગુરુ મહામંડલેસ્વર સ્વામી નિત્યાનંદ ગુરુ, મહામંડલેશ્વર સ્વામી નિત્યાનંદ સરસ્વતી અને ૩૫૦ વર્ષ જૂના સન્યાસ આશ્રમના મહામંડલેશ્વર સ્વામી વિશ્વેશ્વરાનંદજી ગિરિજી મહારાજ આ પ્રસંગે હાજર હતા. ગીતા વૈદિક ગ્રામ - નવનિર્મિત શૈક્ષણિક કેમ્પસ માટે નાઈક ચેરિટેબલ દ્વારા માતબર દાન અપાયું છે.