ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી તથા એશિયન એકેડમી ઓફ આર્ટ્સ દ્વારા તાજેતરમાં નોઈડા ખાતે આયોજિત ગ્લોબલ લિટરરી ફેસ્ટિવલમાં વાપીની સ્મિતા દેશમુખ મિસિસ ઇન્ડિયા અર્થ ૨૦૧૬ બની છે. વાપીની આ મહિલા ઇન્કમટેક્સનાં સેવા નિવૃત્ત આઈટીઓ એનયુ તલેનાંના દીકરી છે. હાલ ચલામાં રહે છે અને ચાર્ટર્ડ એકાઉન્ટ ફર્મ કાકરિયા એન્ડ એસોસિએટ્સમાં નોકરી કરે છે.
• વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે બનાવવા છ લાખ આંબા કાપવા પડશેઃ કેન્દ્ર સરકારની મંજૂરી પછી વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વેની કામગીરી ત્રણ ફેઝમાં શરૂ થવાની છે, પરંતુ તેમાં નવસારી-વલસાડ જિલ્લાની હદમાં છ લાખ આંબાના ઝાડ કાપવા પડે તેવી સ્થિતિ છે. આ એક્સપ્રેસ વે બનાવવામાં અનેક આંબાવાડીઓ વચ્ચે આવે છે. આંબાના ઝાડ કાપવાની સ્થિતિ ઊભી થાય તો ખેડૂતોને મોટું નુકસાન થાય તેમ છે. જેના કારણે સ્થાનિક કક્ષાએથી વિરોધ ઊભો થઈ શકે છે. સાંસદ આર સી પાટીલ અને સ્થાનિક આગેવાનો દ્વારા રાજ્ય અને કેન્દ્રના પ્રધાનો સમક્ષ આ મામલે રજૂઆત થઈ છે. લાખો આંબાના વૃક્ષો બચાવવા માટે રૂટ બદલવા સહિત નવા વિકલ્પ ઉપર પણ વિચારણા કરાઈ રહી છે.
• પી પી સવાણી ગ્રૂપ દ્વારા શહીદોના પરિવારોને રૂ. બે કરોડની સહાયઃ સુરતના પી પી સવાણી ગ્રૂપ દ્વારા ઉરી આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ૧૮ ભારતીય જવાનોના પરિવારને કુલ રૂ. બે કરોડની સહાય કરવામાં આવી છે. આ સહાયમાંથી શહીદોના બાળકોનો ભણવાનો ખર્ચ ચૂકવવામાં આવશે. પી પી સવાણી ગ્રૂપના મહેશ સવાણીએ આ અંગે જણાવ્યું હતું કે, સુરતમાં તાજેતરમાં દેશની રક્ષા કરતા જવાનો શહીદ થતાં તેમના લાભાર્થે યોજાયેલા ડાયરામાં કુલ રૂ. બે કરોડ જેટલી રકમ એકત્ર થવા પામી હતી. પાકિસ્તાની ત્રાસવાદીઓ દ્વારા સેનાના ઉરી કેમ્પમાં હુમલો કરતા જે ૧૮ જેટલા જવાનો શહીદ થયા છે તે દરેકના પરિવારને કુલ દસ લાખ રૂપિયાની સહાય અપાશે.