પૂણે એર પોર્ટની જેમ સુરત એર પોર્ટ પર ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કસ્ટમ ઇમિગ્રેશનની વ્યવસ્થા અલગથી ઉભી કરવાનું આયોજન છે. એર પોર્ટના વર્તમાન ટર્મિનલ બિલ્ડિંગમાં ઇન્ટરનેશનલ ફલાઇટ આવે ત્યારે એન્ટ્રી અને એકિઝટ અલગ રાખવા તથા ડોમેસ્ટિક ફલાઇટ માટે વ્યવસ્થા જુદી રાખવા એર પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં પ્લાન રજૂ થયો છે.
• રવિ પૂજારીના નામે ખંડણી માગતા બે પકડાયાઃ નવસારીમાં સૂર્યમ બંગ્લોઝમાં રહેતા હોરમઝ ફિરોઝ અવારીને ૧૩થી ૨૨મી ફેબ્રુઆરીમાં અજાણ્યા માણસે ડોન રવિ પૂજારીના નામે રૂ. અઢી કરોડની ખંડણી માટે ફોન કર્યા હતો. આવી જ રીતે નવસારી સિંધી કેમ્પમાં રહેતા પ્રેમચંદ્વ લાલવાણી અને તેના ભાઈ શંકર લાલવાણીને રવિ પૂજારીના નામે રૂ. અઢી કરોડની ખંડણીનો ફોન હતો. આ મામલે નવસારી એલસીબીએ તપાસ કરીને તાજેતરમાં કેયુર ઉર્ફે કાનજી દેસાઈ અને નરેશ આહિરની ધરપકડ કરીને બંનેની મોબાઈલ ડિટેઇલ્સના આધારે પારસ મહેશ નાયકનું નામ ખૂલ્યું હતું. આ કેસમાં અખ્તર મર્ચન્ટ નામના માણસને ૭મી માર્ચે તેને ઘરેથી પકડ્યો હતો જ્યારે પારસને પોલીસે ગોવાથી ઝડપી પાડ્યો હતો.
• નોટબંધીમાં રૂ. ૧ કરોડની મરઘી વેચી?: નોટબંધી પછી આઈટી અધિકારીઓ આડેધડ કામગીરી કરતા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે. નોટબંધીમાં બેંકમાં રૂ. પાંચ લાખ જમા કરાવનારા વ્યારાના મરઘીના વેપારીને ત્યાં પણ તાજેતરમાં સર્વે શરૂ કરી દેવાયો હતો કે નોટબંધીમાં તેણે રૂ. ૧ કરોડની મરઘી વેચી. જોકે હાલમાં તપાસમાં તેની પાસેથી બેનામી વ્યવહારો મળ્યા નથી.