સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકરોને માહિતી આપવા તેમજ માર્ગદર્શન માટે વિધાનસભા મુજબ વોટ્સએપ ગ્રુપ બનાવાયા છે જેમાં ઓલપાડ વિધાનસભા ગ્રુપમાં સોમવારે રાત્રે જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જગદીશ કનાજના મોબાઈલ નંબર પરથી ગ્રુપમાં ૧૮ અશ્લીલ વીડિયો અપલોડ થયા હતા. આ અંગે પ્રદેશ કક્ષાએ ફરિયાદ કરી તેમનું રાજીનામું માગી લેવા રજૂઆત થઈ હતી. ઉલ્લેખનીય છે કે જગદીશ કનાજ સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખપદના પ્રબળ દાવેદાર છે. આંતરિક જૂથબંધી વચ્ચે આ ઘટના બનતાં કેટલાક કોંગ્રેસીઓ ઘટનાની મજા લઈ રહ્યા છે.
• સુડામાંથી ૧૦૪માંથી ૫૪ ગામો બાકાતઃ સુરત અર્બન ડેવલપમેન્ટ પ્લાનમાં ઓલપાડ, માંગરોળ, કામરેજ, ચોર્યાસી અને પલસાણાના ૧૦૪ ગામો સમાવાતાં તેની સામે ખેડૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધના પગલે રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા સોમવારે મહત્ત્વનું જાહેરનામું બહાર પડાયું છે. જેમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ રવિવારે સુરતમાં કરેલી જાહેરાતના ભાગરૂપે ત્રણ તાલુકાઓમાંથી કેટલાક ગામોને ડેવલોપમેન્ટ પ્લાનમાંથી બાકાત રાખવાનો નિર્ણય લીધો છે. મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવેલી નવી જાહેરાત પ્રમાણે જોકે સુડામાંથી ૧૦૪માંથી ૫૪ જેટલા ગામોને બાકાત રાખવાના મુદ્દે ખેડૂતોમાં હજી પણ રોષની લાગણી દેખાઈ રહી છે.
• જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવતી ૨૮ મિલોને ક્લોઝર નોટિસઃ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે છેલ્લા ત્રણ માસમાં તપાસ પછી ૨૨મી ઓક્ટોબરે સુરતમાં આવેલા આશરે ૨૮ ડાઈંગ અને પ્રિન્ટિંગ યુનિટને ક્લોઝર નોટિસ ફટકારી હતી. આ ઉપરાંત જીપીસીબીએ ૮૪ યુનિટોને માત્ર નોટિસ આપીને પ્રદૂષણ નહીં ફેલાવવાની તથા ૬૧ યુનિટને પાણીનું પ્રદૂષણ નહીં ફેલાવવાની સૂચના આપી છે. હવામાં પ્રદૂષણ ફેલાવતા ૨૧ યુનિટોને પણ અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. એનવાયર્નમેન્ટ પ્રોટેક્શનને નુકસાન કરી રહેલી ૨ સંસ્થાઓને પણ આ અંગેની નોટિસ આપવામાં આવી છે.
• કંપનીનું મેઈલ આઈડી હેક કરીને રૂ. ૩૪ લાખની છેતરપિંડીઃ પાદરાના મહુવડ નજીક મમતા પોલીકોટસ કેમિકલ કંપની ધરાવતા બિપીનભાઈ શાહે પોતાની કંપનીનું મેઈલ આઈ ડી હેક થવાની પોલીસમાં ફરિયાદ કરી છે. તેમણે જણાવ્યું છે કે, અમેરિકાની ચારકીટ કેમિકલ નામની તેમની કલાયન્ટ કંપનીએ તેઓને ટ્રાઇઇથાઇલ સાઇટ્રેટ (ટીઇસી) કેમિકલનો ઓર્ડર આપતાં તેમણે પાંચમી જુલાઈ, ૨૦૧૬ના રોજ રૂ. ૩૪ લાખની કિંમતનો જથ્થો સપ્લાય કર્યો હતો. અમેરિકન કંપનીએ છઠ્ઠી જુલાઈએ પેમેન્ટ કર્યાનો મેઇલ મોકલ્યો હતો. બિપીનભાઇએ ૧૨મી જુલાઈ સુધી રાહ જોઇ હતી, પરંતુ બેંકમાં નાણા જમા થયા ન હતા. તેમણે અમેરિકન કંપનીના મેઇલ સાથેનું એટેચમેન્ટ જોતાં બલ્ગેરિયાની રેફિસન બેંકમાં રૂ. ૩૪ લાખ જમા થાય હોવાની અને આ રકમ ઉપાડાઇ પણ ગઇ હોવાની વિગતો ખૂલી હતી.