સુરતઃ દક્ષિણ ગુજરાતમાં સ્થાનિકો ઉપરાંત સૌરાષ્ટ્ર પ્રદેશના લોકોની સાથે સાથે બિનગુજરાતી વસતી પણ મોટા પ્રમાણમાં છે. ત્રણ પ્રકારની વૈવિધ્યતાનું કોકટેલ ગુજરાતમાં માત્ર દક્ષિણ ગુજરાતમાં જ જોવા મળે છે. સુરત શહેરની 7 બેઠકોને બાદ કરતાં દક્ષિણના ગ્રામ્ય પંથકની 18બેઠકમાંથી ગત ચૂંટણીમાં ભાજપે 11 બેઠક પર વિજય પ્રાપ્ત કર્યો હતો અને 7 બેઠકો કોંગ્રેસના હાથમાં ગઇ હતી.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલનું હોમગ્રાઉન્ડ ગણાતા દક્ષિણ ગુજરાતમાં આ વખતે ‘આપ’એ કેસરિયા બ્રિગેડની ઊંઘ હરામ કરી દીધી છે. સુરત શહેરી વિસ્તારની વાત કરીએ તો, ગોપાલ ઇટાલિયાને સુરત શહેરથી મેદાનમાં ઉતારાયા છે. આ વખતે શહેરની મોટા ભાગની બેઠક પર ત્રિકોણિયો જંગ ખેલાશે. આમ, ગઇ વખતે જે રીતે ભાજપને સીધો ઢાળ મળ્યો હતો અને સાતેસાત બેઠકો (સુરત-પૂર્વ, સુરત-પશ્ચિમ, સુરત-ઉત્તર, ઓલપાડ, વરાછા રોડ, કારંજ, કતારગામ) કબજે કરી હતી તેવી સ્થિતિ આ વખતે નથી.
આદિવાસી પટ્ટાની વાત કરીએ તો, ‘આપ’ને પ્રમાણમાં સારો પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની અડધા કરતાં વધુ બેઠકો પર આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ પરિબળના કારણે જ ભાજપ છાવણીમાં ઉચાટ વધુ છે કારણ કે ગત ચૂંટણી સુધી સ્થિતિ એવી હતી કે તેમણે માત્ર કોંગ્રેસ સામે ફાઇટ આપવાની હતી પરંતુ આ વખતે કોંગ્રેસની સાથે સાથે આમ આદમી પાર્ટીને પણ સંભાળવાની છે.
સુરત જિલ્લાની 5 બેઠક
એક તો મતદારોમાં નિરસતા જોવા મળી રહી છે. અને બીજું, ભાજપ, કોંગ્રેસ અને ‘આપ’ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે. ભાજપ ઓલપાડ, બારડોલી, માંગરોળ અને મહુવા સહિત ગત વખતે જ્યાં જીત મેળવી હતી તે 5 બેઠક પર આ વખતે પણ વિજય નિશ્ચિત હોવાનું માની રહ્યો છે એટલે ત્યાં લીડ વધારવા પ્રયાસ કરે છે. કોંગ્રેસ હસ્તકની બેઠક આંચકી લેવા રણનીતિ છે. ‘આપ’ના કારણે બન્ને પક્ષોમાં ડર છે. ‘આપ’ સુરતમાં લીડ મેળવે તેવી શક્યતા છે.
નવસારી-ડાંગની 5 બેઠક
હાલની સ્થિતિએ ત્રણમાં ભાજપ તો એકમાં કોંગ્રેસ હાવી હોવાનું વર્તાય છે. 4 બેઠકો નવસારી જિલ્લામાં અને 1 બેઠક ડાંગમાં છે. ગત ચૂંટણીમાં નવસારીની ચારમાંથી ત્રણ બેઠકો ભાજપે અને વાંસદાની બેઠક કોંગ્રેસે જીતી હતી. ડાંગની બેઠક 2017માં કોંગ્રેસે જીત્યા બાદ પેટાચૂંટણીમાં ભારે માર્જીનથી ભાજપે છીનવી લીધી હતી. જલાલપોરમાં 5 ટર્મથી જીતતા ભાજપના કોળી ઉમેદવાર સામે આ વખતે કોંગ્રેસના મુન્ના પાંચાલ છે.
વલસાડની 5 બેઠકો
પારડી, ઉમરગામ અને વલસાડની બેઠક પર ભાજપ લીડ માટે લડે છે. ધરમપુર અને કપરાડામાં પોતાનો ગઢ સાચવી રાખવા માટે કોંગ્રેસે જોર લગાવ્યું છે. ‘આપ’ કોના મત છીનવે છે તેના પર બધાની મીટ છે. ધરમપુરમાં ભાજપે અરવિંદ પટેલને રિપીટ કર્યા છે. કોંગ્રેસે છેલ્લી ઘડીએ માજી સાંસદ કિશન પટેલને ટિકિટ આપી છે. જેથી પાર-તાપી નર્મદા રિવર લિંક પ્રોજેકટના આંદોલનમાં આગળ આવેલાં કલ્પેશ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે.
તાપીની 2 બેઠક
તાપી જિલ્લાના નિઝરમાં 2.82 લાખ પૈકી 1 લાખથી વધુ મતદારો ગામીત અને વસાવા છે. ખ્રિસ્તી મતદારોને લીધે ભાજપે જયરામ ગામીતને ટિકિટ આપી છે. જ્યારે સુનિલ ગામીત સાથે કોંગ્રેસનું સંગઠન છે. વ્યારાથી ભાજપે યુવા ચહેરા મોહન કોંકણીને તો ‘આપ’એ ભાજપમાંથી આવેલા બિપીન ચૌધરીને ટિકિટ આપી છે. કોંગ્રેસે 3 ટર્મથી વિજેતા પુનાજી ગામિતની પસંદગી કરી છે. આદિવાસી સમાજના મતોનું વિભાજન થઈ જશે.