સુરત, નવી દિલ્હીઃ ગુજરાતનો દરિયાકિનારો વિશ્વવેપાર માટેનો ગેટ વે ઓફ ઈન્ડિયા બની રહ્યો છે. ભારતમાં તાજેતરમાં સમુદ્રી માર્ગે જે વેપાર થયો છે તેમાંથી ૪૦ ટકા વેપાર માત્ર ગુજરાતના દરિયાકિનારેથી થયો છે તેના પરથી આ વાતનો પુરાવો મળે છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે દક્ષિણ ગુજરાતના હજીરા-ઘોઘા વચ્ચે રો-પેક્સ ફેરી સેવાનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદ્દઘાટન કરતા આ શબ્દો કહ્યા હતા.
તેમણે કહ્યું હતું કે છેલ્લા ઘણાં વર્ષોથી દરિયાઇ વેપારને કોઈ ખાસ મહત્ત્વ આપવામાં આવતું ન હતું. ૨૦૧૪ બાદ દરિયાઇ માર્ગે વિકાસ કરવા સાથે કોસ્ટલ વિસ્તારમાં બુનિયાદી સેવા વધુ મજબુત બનાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે ભારત સદીઓથી દરિયાઇ વેપાર માટે સમૃદ્ધ છે, તેની નવી ઓળખ ઉભી થાય તે માટે લોથલ ખાતે સમુદ્રીય ઈતિહાસ દર્શાવતું નેશનલ મ્યુઝિયમ બનાવાશે.
સુરત-ગુજરાત માટે દિવાળી ભેટ
હજીરા-ઘોઘા વચ્ચેની રો પેક્સ ફેરીને લીલી ઝંડી બતાવીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસ્થાન કરાવતા કહ્યું કે, સુરત અને ગુજરાતના લોકો માટે આ દિવાળીની ભેટ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક લોકોનું વર્ષોજૂનું સપનું હાલ સાકાર થયું છે. આત્મનિર્ભર ભારતના આયામને સાકાર કરવા માટે દેશના સમુદ્રી કિનારાઓને વિકસાવવા માટેની કામગીરી કરી રહી છે.
સૌરાષ્ટ્રના ખેડૂતો-ઉદ્યોગોને લાભ
દરિયાઇ ક્ષેત્રના વિકાસ માટે આ રો-પેકસ ફેરી ઉત્તમ ઉદાહરણ છે. રો-પેક્સ સર્વિસના કારણે વેપારને સુવિધા મળવાની સાથે કનેક્ટિવિટી મળતાં સમય અને પૈસાની બચત સાથે પર્યાવરણની પણ જાળવણી થશે. આ રો-પેક્સ ફેરીમાં વર્ષે ૮૦ હજાર મુસાફરો મુસાફરી કરશે. તો સૌરાષ્ટ્રના ખેડૂતો અને ઉદ્યોગોને પણ ઘણો મોટો ફાયદો થશે. તેઓ ઘણાં ઓછા સમયમાં ઓછા ખર્ચે સૌરાષ્ટ્રથી સુરત તરફ પોતાનો સામાન લાવી શકશે અને વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન મળશે. ખેડૂતો અને વેપારીઓ પોતાનો માલ દરિયાઇ માર્ગે સુરક્ષિત રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકશે.
લોથલમાં નેશનલ મ્યુઝિયમ બનશે
ગુજરાતના દરિયાકિનારાની સમૃદ્ધિનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને જણાવ્યું કે, છેલ્લા બે દશકામાં સમુદ્રી માર્ગ અને પોર્ટ કનેક્ટિવિટીનો વિકાસ કરવામાં આવ્યો તે ગુજરાતનું ગૌરવ છે. શીપ બિલ્ડીંગ પોલીસી, ટર્મિનલનું નિર્માણ, દહેજમાં સોલિડ કાર્ગો, મુંદ્રા પોર્ટ ટર્મિનલને ગ્રાઉન્ડ લેવલ કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યું છે. આવી કામગીરીના કારણે પોર્ટ સેક્ટરને એક નવી જ દિશા મળી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, ભારતની સમુદ્ર વેપારની પ્રથા હજારો વર્ષ જૂની છે, તેથી આ સમુદ્ર વેપારના મહામુલા વારસાને સાચવવા માટે લોથલમાં દેશનું પહેલું નેશનલ મ્યુઝિયમ બનાવવામાં આવશે.
શિપિંગ મંત્રાલયનું નામ બદલાશે
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, શિપિંગ મંત્રાલયનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે અને હવે એનું નામ બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય રહેશે. વડા પ્રધાને વધુ કહ્યું હતું કે, ‘સરકારના પ્રયાસોને વેગ મળે એ માટે વધુ એક મોટું પગલું લેવાઇ રહ્યું છે. મોટા ભાગના વિકસિત દેશોમાં શિપિંગ મંત્રાલય બંદરો અને જળમાર્ગોને સંબંધિત કામગીરીનું પણ સંચાલન કરે છે. આમ તો ભારતમાં શિપિંગ મંત્રાલય બંદરો અને જળમાર્ગોને સંબંધિત અનેક કામગીરી કરે છે, પરંતુ હવે મંત્રાલયના નામમાં સ્પષ્ટતાથી હવે એની કામગીરીમાં પણ સ્પષ્ટતા આવશે.’
મલ્ટીમોડેલ કનેક્ટિવિટી
વોટર ટ્રાન્સપોર્ટથી કોસ્ટ ઓફ લોજિસ્ટિક ઘટશે અને લોકોને ઘણો ફાયદો થશે તેમ કહી વડા પ્રધાનેવધુમાં જણાવ્યું કે, હાલમાં વોટર ટ્રાન્સપોર્ટને વધુ વેગ આપવાને વધુ પ્રાધાન્ય અપાઇ રહ્યું છે. આજે દેશ મલ્ટીમોડેલ કનેક્ટિવિટીની દિશામાં દેશ ઝડપથી આગળ વધી રહ્યો છે. દરિયાઇ માર્ગે એકબીજા રાષ્ટ્ર વચ્ચે પણ વેપારની વિપુલ તક છે. સમુદ્ર કિનારાના માછીમારોને મદદ માટે કેન્દ્ર સરકાર અનેક યોજના બનાવી રહી છે. જેમાં પ્રધાનમંત્રી મત્સય સંપદા યોજનાનો લાભ ગુજરાતને પણ મોટી માત્રામાં મળી રહ્યો છે. આ ઉપરાંત સાગરમાલા પ્રોજેક્ટ અંતર્ગત ૫૦૦થી વધુ પ્રોજેક્ટ સામેલ કરવામાં આવ્યા છે, જેના કારણે બ્લુ ઈકોનોમીને વધુ સદ્ધરતા સાંપડશે.
વિશ્વ કક્ષાનું સીએનજી ટર્મિનલ
ગુજરાતમાં દરિયાઇ વેપારના વિકાસ માટે ઈન્ફાસ્ટ્રકચર સાથે કેપેસીટી બિલ્ડીંગ પર પણ ઝડપથી કામગીરી કરવામાં આવી રહી છે. આ માટે મેરીટાઈમ યુનિવર્સિટી દેશનું સૌથી મોટું સેન્ટર બની શકે છે. સમુદ્રી કાનુન સાથે ઇન્ટરનેશનલ ટ્રેડ, મેરીટાઈમ મેનેજમેન્ટ શિપીંગ ઉપરાંત શિપીંગ લોજિસ્ટીકમાં એમબીએ સુધીના અભ્યાસની સુવિધા ઉભી કરવામાં આવશે. મેરીટાઈમ ક્લસ્ટર અંતર્ગત ભાવનગરમાં વિશ્વકક્ષાનું સીએનજી ટર્મિનલ બનાવશે, જેના કારણે બ્લુ ઈકોનોમી ડેવલપ કરવામાં આવશે. હજીરા-ઘોઘા ઉપરાંત દહેજ-ઘોઘા ફેરીને પણ ટૂંક સમયમાં ફરીથી શરૂ કરાશે એમ વડા પ્રધાને કહ્યું હતું.
ગુજરાત રોલ મોડેલ બન્યું છેઃ રૂપાણી
દેશમાં નવા આત્મવિશ્વાસનો સંચાર થયો છે તેવું જણાવતા ભારત સરકાર અને વડા પ્રધાનનો આભાર માનતા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, ગુજરાતનો દરિયાઇ કાંઠો ભારતનો ગેટ વે ઓફ ઇન્ડિયા બનવા જઇ રહ્યો છે. વડા પ્રધાનના તમામ પ્રકારના સહયોગને કારણે આજે ગુજરાત રોલમોડેલ બની શક્યું છે. ગુજરાતનો ક્રુડ રોયલ્ટીનો પ્રશ્ન ઉકેલાયો છે. કોરોના કાળ દરમિયાન વિશ્વ આખું થંભી ગયું હોવા છતાં ભારત અને ગુજરાતમાં વિકાસ કાર્યો સ્થગિત રહ્યાં નથી. પ્રાચીન કાળમાં પણ ગુજરાત અને તેનો દરિયાકાંઠો ધમધમતો હતો. આવનારા સમયમાં પણ સાહસિક વેપારીઓથી ધમધમતો રહેશે.
ગુજરાત માટે સુવર્ણ અવસરઃ માંડવિયા
કેન્દ્રિય શિપીંગ પ્રધાન મનસુખ માંડવિયાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતુ કે, આ ગુજરાત માટે સોનેરી અવસર છે. સદીઓથી ગુજરાત દરિયાઇ વ્યાપાર સાથે જોડાયેલું છે. જેને વેગ આપવાનું મહત્વનું કામ સરકારે કર્યું છે. વડા પ્રધાનના નેતૃત્વમાં દેશમાં પ્રથમ રો-પેક્સ સેવા શરૂ થઇ છે. લોકોની આકાંક્ષાઓને સરકાર વિકાસના માધ્યમથી પૂર્ણ કરી રહી છે. આઝાદીના ૭૦ વર્ષ પછી આત્મનિર્ભર ભારતનુ નિર્માણ થઇ રહ્યું છે.
દક્ષિણ ગુજરાત માટે મહત્ત્વનો પ્રોજેક્ટઃ પાટિલ
સુરતના સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે, ૧૦ દિવસના અરસામાં સાબરમતીથી કેવડિયાની સી-પ્લેન અને ત્યારબાદ હવે હજીરાથી ઘોઘાની રો-રો પેક્સ સેવા શરૂ કરાઇ છે. આ પ્રોજેક્ટસ ગુજરાતના વિકાસમાં વેલ્યુ એડિશન છે. દક્ષિણ ગુજરાતના વિકાસ માટે આ પ્રોજેક્ટસ મહત્વના અને ગેમચેન્જર બની રહેશે. પર્યટન વિકાસ માટે પણ આ મહત્ત્વનો પ્રોજેક્ટ રહેશે.