દહેગામઃ શહેરના સીમાડે આવેલા દહેગામ નજીકની ઔદ્યોગિક વસાહત એમડી સ્ટીલમાંથી ઝડપાયેલા રૂ. ૨૫૦ કરોડના પ્રતિબંધિત એફેડ્રીન પાવડરની તપાસમાં ડ્રગ્સની હેરાફેરીના આંતરરાષ્ટ્રીય નેટવર્કનો પર્દાફાશ થયો છે. શહેર ક્રાઇમ બ્રાન્ચે ૧૫ એપ્રિલે વહેલાલ જીઆઇડીસીમાં આવેલી ફેક્ટરીમાં દરોડો પાડીને પ્રતિબંધિત પાવડરના ૧૩૬૪ કિલો જથ્થા સાથે એક શખસની ધરપકડ કરી ત્યારે જ આવા કૌભાંડની આશંકા હતી.
આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો એક છેડો લંડન સુધી પણ પહોંચ્યો છે. તપાસમાં ખૂલ્યું છે તેમ કૌભાંડના સૂત્રધારો અમદાવાદનો રહેવાસી કિશોર રાઠોડ અને મુંબઈનો રહીશ તેનો પાર્ટનર જય મુખી થોડાક દિવસ પૂર્વે જ દુબઇ ગયા હતા. જ્યાં તેમણે પોલેન્ડની આવનારા કેટલાય ડ્રગ માફિયાઓ સાથે મીટિંગ યોજી હતી. આ મીટિંગ લંડનમાં વસતા એક ગુજરાતીના માધ્યમથી યોજાઇ હતી.
કૌભાંડના મુખ્ય સૂત્રધાર કિશોર રાઠોડ ભૂતપૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડનો પુત્ર છે. ફરાર કિશોર અને જય એફેડ્રીન પાવડરમાંથી મેથાફેટામાઇન ડ્રગ્સ બનાવીને વિદેશમાં મોકલતા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર કિશોર અને જય એફેડ્રીનના જથ્થામાંથી મેથાફેટામાઇન બનાવીને તેમાંથી એક ભાગ હોલેન્ડની રાજધાની એમ્સર્ટડમ પહોંચાડવાના હતા. બાકીનો જથ્થો ભારતના મોટા શહેરોમાં મોકલવાનો હતો.
એફીડ્રીન ડ્રગ્સ શું છે?
એફીડ્રીન ડ્રગ્સ ખાંસી-ઉધરસ, શરદીની સીરપમાં ઉપયોગ થાય છે. શરીર માટે હાનિકર્તા આ ડ્રગ્સના કંન્ટેઇન્ટમાં વ્યક્તિને ઘેન આવે છે. દારૂના નશાની જેમ વ્યક્તિને ચડી જાય છે તેથી ઘણાય લોકો નશા તરીકે આ ડ્રગ્સનો ઉપયોગ કરે છે. એફિડ્રિન પર ભારતમાં જ નહીં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જર્મની જેવા દેશમાં પણ પ્રતિબંધ છે.
રૂ. ૨,૦૦૦ કરોડનું ડ્રગ્સ સોલાપુરમાંથી જપ્ત
ગુજરાત પછી દેશના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો રૂ. ૨,૦૦૦ કરોડનો ડ્રગ્સનો જથ્થો આશરે સાડા અઢાર ટન એફિડ્રીન ડ્રગ્સ થાણે શહેરની પોલીસ અને એન્ટિનાર્કોટિક્સ વિભાગે સોલાપુરમાંથી ૧૭મી એપ્રિલે જપ્ત કર્યું હતું. ૧૨થી ૧૪ એપ્રિલ સુધી વિવિધ ઠેકાણે રેડ પાડી પોલીસે આ કેસમાં કુલ સાત આરોપીની ધરપકડ કરી હતી. જોકે આ ડ્રગ્સ કારાબોરના મુખ્ય મોટાં માથાઓ સુધી હજી પોલીસ પહોંચી શકી નથી.