દાંડીકૂચનો વિરોધ થયો હતો, આજે પણ સારાં કાર્યોનો વિરોધ થાય છે: મોદી

Wednesday 06th February 2019 05:32 EST
 
 

સુરત-દાંડીઃ લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં અનેક સુકાર્યોનાં લોકાર્પણ બાદ સભા સંબોધનને ચૂંટણી પ્રચારનું હથિયાર બનાવ્યું છે. દક્ષિણ ગુજરાતના પ્રવાસે આવેલા મોદીએ ૩૦મીએ ગાંધીનિર્વાણ દિને દાંડીમાં નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ પ્રોજેક્ટ ખુલ્લો મૂક્યો હતો. એ પહેલાં સુરત આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં મકાનનું ભૂમિપૂજન અને આધુનિક હોસ્પિટલની અર્પણવિધિ કરી હતી. એ પછી સુરતમાં યૂથ કોન્કલેવમાં પ્રિ-ઇલેક્શન કેમ્પેઈન જેવું સંબોધન કરતા નહેરુ-ગાંધી પરિવાર પર પ્રહારો કર્યાં હતાં.
‘ઝડપથી વિકસતા દસ શહેરોમાં સુરત ટોચ પર હશે’
સુરતમાં નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આવતા ૧૦ વરસોમાં દુનિયામાં ઝડપથી વિકસતા જે ૧૦ શહેરો હશે તે ભારતના હશે અને તેમાં સુરત ટોચ પર હશે. તેમણે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનાં મકાનનું ભૂમિપૂજન કરતા કહ્યું કે, સુરત એરપોર્ટ પરથી ૭૦થી ૭૨ વિમાનો રોજ ઉડાન ભરે છે. શું એ ભૂલી શકાય તેમ છે કે જ્યારે પહેલાંની સરકારમાં અહીં એરપોર્ટ પર વિમાની સેવા શરૂ કરવા આંદોલનો કરવા પડતા હતા. ગુજરાતમાં સી પ્લેન ઉડશે અને સાબરમતી રિવરફ્રન્ટથી સરદાર સ્ટેચ્યૂ સુધી વોટર પ્લેન પણ ઉડશે. હવે, હવાઈચપ્પલ પહેરાનારા પણ હવાઇ સફર કરી શકશે.
ઈન્ટરનેશનલ ટર્મિનલના શિલાન્યાસ સમારોહમાં મોદીએ એનડીએ સરકારના કેટલાક પ્રોજેક્ટ્સ અને ઉઠાવેલા કદમોનો ઉલ્લેખ પણ કર્યો હતો. જેમાં નોટબંધીનો મુદ્દો પણ તેમણે સામેલ કર્યો હતો.
મોદીએ તેમણે નોટબંધીની વાત કરતા કહ્યું કે, લોકો બોલે છે નોટબંધીથી શું ફાયદો થયો? પણ તેનાથી શું ફાયદો થયો તે યુવાનોને ખબર છે. નોટબંધીથી ઘરની કિંમત ઘટી તેનો યુવાનોને અને ગરીબોને ફાયદો થયો અને થશે. રિઅલ એસ્ટેટ સેક્ટરમાં નોટબંધી પહેલાં કાળું નાણું કેટલું હાવિ હતું. સુરતના લોકોને તો ખાસ ખબર છે કે, નોટબંધી પહેલાં રિઅલ એસ્ટેટ સેક્ટરમાં કાળુનાણું કેટલું હાવિ હતું. કેટલાંય નામો પંકાયેલા હતાં. અમે રિઅલ એસ્ટેટ સેક્ટર માટે રેરાનો કાયદો લાવ્યા. તેનાથી નિયમ મુજબ બિલ્ડર બાંધકામ કરવા બંધાયા. આજે ૩૫ હજાર બિલ્ડર્સે આ કાયદા હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
મોદીએ સરકારની ઇચ્છાશક્તિનો દાખલો આપતા કહ્યું કે, જો ઇચ્છાશક્તિ હોય તો રૂ. ૩૫૦માં મળતા એલઈડી બલ્બ પણ લોકોને રૂ. ૩૫માં આપી શકાય. અમારી સરકારે તે લોકોને ઉપલબ્ધ કરાવ્યા. તેનાથી દેશમાં રૂ. ૧૬૫૦૦ કરોડની વીજળીની બચત પણ થઈ.
દરમિયાન, વડા પ્રધાનની સુરતની યાત્રા સમયે વરાછા વિસ્તારમાં પાટીદાર યુવાનોએ કાળા ફુગ્ગા આકાશમાં છોડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
ત્રિશંકુ બીમારી ટાળો
તેમણે ગઠબંધન સરકાર અંગે કહ્યું હતું કે ગઠબંધન સરકાર કામ ન કરી શકે. બહુમતીવાળી સરકાર જનતાની ઉત્તરદાયી પણ બનતી હોય છે. નક્કર અને મજબૂત નિર્ણયો લઈ શકતી હોય છે. એ તાકાત મતદારોમાં છે. મોદીમાં નહીં કે સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકાર બનાવી શકે. મોદીએ આ સાથે જ જનતાને કેન્દ્રમાં બહુમતી સરકાર બનાવવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે ત્રિશંકુ સંસદને બીમારી જેવી ગણવી હતી. તેમણે કહ્યું હતું કે સ્પષ્ટ બહુમતી સરકારને માત્ર નિર્ણય લેવામાં મજબૂતી નથી આપતી, પરંતુ તેનાથી સરકાર જનતાની ઉત્તરદાયી પણ બને છે.
નોટબંધી સંદર્ભે તેમણે કહ્યું હતું કે દેશ આજે નિર્ણય લેવાની પ્રક્રિયામાં જે પરિવર્તન જુએ છે એ માત્ર મતદારોની તાકાતના કારણે છે, મોદીની સત્તાના કારણે નહીં. ૩૦ વર્ષ સુધી દેશમાં અસ્થિરતા વ્યાપી હતી. અવારનવાર ત્રિશંકુ સંસદનું સર્જન થતું હતું કેમકે કોઈને બહુમતી મળતી નહોતી. આવી સરકારો અલગ અલગ દિશામાં કામ કરતી રહેતી હતી અને અમુક કિસ્સામાં પાછળ રહી જતી હતી. અમે સાડા ચાર વર્ષથી પ્રગતિ શક્ય બનાવી શક્યા છીએ કેમકે લોકોએ વિચારીને મત આપ્યા અને દેશને ત્રિશંકુ સરકારમાંથી મુક્તિ આપી. આજે અમારી સરકાર મજબૂત નિર્ણયો લઈ શકે છે. સંપૂર્ણ બહુમતી ધરાવતી સરકારે ઉત્તરદાયિત્વ પણ નિભાવવું પડે છે. જો અમારી પાસે બહુમતી ન હોત તો હું કહી શક્યો હોત કે મારી પાસે બહુમતી નથી અને તેથી મારી મર્યાદા છે. જનાદેશના કારણે જ અમને લોકો માટે કામ કરવામાં મદદ મળી છે. જ્યારે ગઠબંધન સરકારે હંમેશા નિર્ણયો લેવામાં મુશ્કેલી અનુભવે છે.
‘દેશમાં હેલ્થ સેક્ટર બિઝનેસ માટે મોટી સંભાવનાઓ’
સુરતમાં લાલ દરવાજા સ્થિત વિનસ હોસ્પિટલનું વડા પ્રધાનના હસ્તે ઉદ્ઘાટન કરાયું હતું. હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ સંબોધન કરતા મોદીએ જણાવ્યું કે, આ હોસ્પિટલ ફક્ત સુરતને નહીં પણ સમગ્ર ગુજરાતને નવું નજરાણું મળ્યું છે. આયુષ્માન ભારત યોજનાના લાભો અંગે કહ્યું હતું કે ભારતમાં હેલ્થ સેક્ટરમાં પ્રાઈવેટ ઈન્વેસ્ટમેન્ટ અને પ્રાઈવેટ બિઝનેસ માટે મોટી સંભાવનાઓ
ઉભી થશે.
રૂ. ૩૦૦માં મળતી દવા માત્ર ૩૦માં
મોદીએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં હેલ્થ સેક્ટરને મજબૂત બનાવવા જેનેરિક મેડિસીનનું અભિયાન ચલાવ્યું અને ૫ હજાર જેટલા જેનેરિક દવાના સેન્ટરો શરૂ કર્યા બીજા વધારે કરવાનું અભિયાન ચલાવી રહ્યું છે. જે દવા રૂ. ૩૦૦માં મળતી હોય તે ૩૦માં મળે તેવી વ્યવસ્થા કરી ખૂબ મોટાપાયે દવાના ખર્ચના ભારણમાં ઘટાડો થાય એવી અનેક દવાની કિમતોમાં ઘટાડો કર્યો છે.
બંધારણમાં જરૂરી પરિવર્તન
હોસ્પિટલના ઉદ્ઘાટન બાદ સવર્ણોને ૧૦ ટકા અનામત આપવાના મુદ્દે વાત કરતા મોદીએ કહ્યું હતું કે આરક્ષણનાં મુદ્દા પર મોટી હિમ્મત કરીને ભારતના બંધારણમાં અમે સંશોધન કર્યું અને સવર્ણ સમાજના ગરીબ બાળકોને ૧૦ ટકા આરક્ષણ પાકું કરી દીધું. આ સાથે તેમણે દેશમાં સૌથી પહેલા સવર્ણોને આરક્ષણ લાગુ કરવા બદલ અભિનંદન પણ આપ્યા હતા.
‘એક દિવસ તો જેલમાં જવું જ પડશે’
મોદીએ સુરતમાં યૂથ કોન્કલેવમાં પ્રિ-ઇલેક્શન કેમ્પેઈન જેવા સંબોધનમાં કહ્યું કે, ચાર પેઢીથી રાજ કરવાવાળાને ચાવાળો પડકાર આપી રહ્યો છે. તેમની અને તેમના દરબારીઓ સામે ગાળિયો કસ્યો છે. તેઓ કોર્ટના ચક્કર કાપી રહ્યાં છે. તેઓ ગમે તેટલા ચક્કર કાપે પણ એક દિવસ તો તેમણે જેલમાં જવું જ પડશે. દેશમાં પહેલાં પણ રૂપિયા લઈને લોકો ભાગી ગયાં હતાં પણ અમે એવા કાયદા બનાવ્યા છે કે, રૂપિયા લઈને ભાગી ગયેલાઓની સંપત્તિઓ જપ્ત કરીને એક એક રૂપિયો વસૂલ કરી શકાય. યુવાનો સાથે અમેરિકામાં મેડિસન સ્ક્વેરમાં કરેલા આયોજનની જેમ રિવોલ્વિંગ સ્ટેજ પર ઊભા રહીને સંબોધન કર્યું હતું. તેમાં તેમણે નક્કી કરેલા છ સવાલના જવાબ આપીને તે પ્રકારના ફોર્મેટમાં તેમની વાત લોકો સામે મૂકી હતી.
તેમણે કહ્યું કે, હું અપસેટ થતો નથી, પણ સામેવાળાને અપસેટ કર્યા વગર છોડતો નથી. આજે એક મોદી નથી દેશમાં સવાસો કરોડ મોદી છે.
રિમોટ કંટ્રોલ સરકાર
કોંગ્રેસને ટોણો મારતાં મોદીએ કહ્યું કે, અગાઉ રિમોટવાળી સરકાર ચાલતી હતી. એટલે, માનસિકતા એવી થઈ ગઈ હતી કે, કંઈ બદલી શકાય તેમ નથી. ગોટાળાઓની હેડલાઈન આવતી હતી. હવે તે બદલાઈ ગઈ છે. મુંબઈ હુમલા પછી શું થયું હતું અને અમારી વખતે ઉરી હુમલો થયો હતો પછી શું થયું, તે બધાને ખબર છે.
દાંડીમાં રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું લોકાર્પણ
રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ મેમોરિયલના લોકાર્પણ પ્રસંગે નવસારી નજીકનાં દાંડીમાં આવેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, જ્યારે બાપુએ નમક સત્યાગ્રહનો નિર્ણય લીધો હતો ત્યારે પણ કેટલાકે તેમના આ નિર્ણયનો વિરોધ કરી ટીકા કરી હતી જ્યારે આજે પણ કેટલાક લોકો સકારાત્મક સારા કાર્યોને વિરોધ કરી રહ્યાં છે. બાપુએ નમક સત્યાગ્રહની કિંમત જાણી હતી. આજે અમે જ્યારે શૌચાલય બનાવ્યા ત્યારે કહે છે, આનાથી કંઈ બદલાવ આવે? સ્વચ્છતા એ કઈ વડા પ્રધાનનું કામ છે? ગેસ કનેકશનો આપવાથી જનજીવન બદલાઈ ખરાં! અને બેંકોમાં ખાતા ખોલવાથી ગરીબ કંઈ અમીર બનશે ખરા! એવી ટીકા કરી વિરોધ કરે છે. એફીલ ટાવરનો ફ્રાન્સમાં વિરોધ થતો નથી, પરંતુ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાની ટીકા કરાય છે. આવા કાર્યોના વિરોધને દેશ ભૂલશે નહીં. સ્ટેચ્યુ ઓફ યુનિટી તથા હવે દાંડી મેમોરિયલ જેવા ઐતિહાસિક સ્થળોનો વિકાસ થવાથી સ્થાનિક લોકોની રોજગારી વધશે. મોદીએ સ્વચ્છ ભારત મિશનને મળેલ સફળતા અંગે જણાવ્યું કે, ભારતમાં ૯ કરોડ શૌચાલય બની ગયા છે. અમે બાપુની ૧૫૦મી જન્મ જયંતીએ દેશને ‘ખુલ્લામાં શૌચ મુક્ત’ જાહેર કરીશું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter