અમદાવાદ: દાંતાના રાજવી પરિવારના અંબાજી માતાના મંદિર, તેની સંપત્તિઓ અને ગબ્બર પર્વત પરના દાયકાઓ જૂના દાવાને સિવિલ કોર્ટે ફગાવી દીધો છે અને છેલ્લા 50 વર્ષ કરતાં વધુ સમયથી બિનજરૂરી કાયદાકિય કાર્યવાહી કરવા દાંતાના રાજવી પરિવારને સિવિલ કોર્ટ દ્વારા રૂપિયા 50,000નો દંડ ફટકારાયો છે.
બનાસકાંઠા જિલ્લાના આરાસૂર પર્વત ખાતે આવેલા વિશ્વવિખ્યાત અંબાજી માતાના મંદિર અને નજીકના ગબ્બર પર્વત પર દાંતા સ્ટેટના પૂર્વ રાજવી મહારાણા પૃથ્વીસિંહ દ્વારા કરાયેલા દાવાને પ્રિન્સિપલ સીનિયર સિવિલ જજે નકારી કાઢ્યો હતો. પૃથ્વીસિંહ દ્વારા 1970માં આ દાવો દાખલ કરાયો હતો અને તેમના નિધન બાદ તેમના વારસ મહિપેન્દ્રસિંહજી પરમાર દ્વારા આ દાવાને આગળ ધપાવવામાં આવ્યો હતો. તેમણે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને રાજ્ય સરકાર પાસેથી મંદિર અને સંપત્તિ પાછા માગ્યા હતા.
શું હતો સમગ્ર વિવાદ?
1948માં ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા સાથે દાંતાના રાજવી પરિવાર દ્વારા કરાયેલા મર્જર એગ્રિમેન્ટ બાદ મંદિરની માલિકીનો વિવાદ થયો હતો. એગ્રિમેન્ટ પ્રમાણે પરિવારને મહારાણાની માલિકીની અંગત સંપત્તિઓની ઓનરશિપ અને ઉપયોગનો અધિકાર હતો. અચલ સંપત્તિઓ, સિક્યુરિટિઝ અને કેશ બેલેન્સની યાદી પ્રમાણે અંબાજી મંદિર, ગબ્બર પર્વત અને મંદિરની સંપત્તિ રાજવી પરિવારની અંગત સંપત્તિ ગણાવવામાં આવી હતી. મંદિરના સંચાલન માટે સરકાર દ્વારા એક ટ્રસ્ટની રચના કરાઇ હતી અને મહારાણા તેના ચેરમેન રહ્યા હતા. 1953માં ભારત સરકારે તમામ સંપત્તિને સરકારી સંપત્તિ ગણવાનો આદેશ જારી કર્યા બાદ બોમ્બે સરકારે મંદિર પોતાને હસ્તક લીધું હતું.
રાજ પરિવારની લાંબી કાનૂની લડાઇ
બોમ્બે સરકારના નિર્ણયને મહારાણાએ બોમ્બે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. 1954માં હાઇકોર્ટે મહારાણા અને પરિવારની તરફેણમાં ચુકાદો આપ્યો હતો જેને સરકારે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. 1957માં સુપ્રીમ કોર્ટે સરકારની તરફેણમાં ચુકાદો આપ્યા બાદ સરકારે મંદિરનો કબજો લઇ લીધો હતો. ત્યાર બાદ મહારાણાએ ફરી એકવાર સિવિલ કોર્ટમાં પોતાનો દાવો દાખલ કર્યો હતો.