દિયોદરઃ લાખણી તાલુકાના ચાળવા ગામમાં આશરે ૩૫ વર્ષ પહેલાં ૧૯૮૫-૮૬ની સાલમાં ચાળવા ગામાં સુરેશભાઈના પોતાના ઘર પાસે પાર્ક કરેલી જીપ રાત્રિના સમયે ભરતભાઈ ઉઠાંતરી કરી નાસી છૂટ્યા હતા. આ અંગે સુરેશભાઈએ ગાડી પરત આવી જવાની શ્રદ્ધા સાથે ગાડીની થોડાક સમય સુધી શોધખોળ કરી હતી. કેટલાક મહિનાઓ બાદ તેઓ જીપને ભૂલી ગયા હતા. ઘટનાના ૩૫ વર્ષના લાંબા સમયગાળા બાદ જીપ ચોરી કરનાર ભરતભાઈના પૌત્ર હરીશભાઈએ પોતાના પરિવારમાં સુખ-શાંતિ રહે અને પરધન પથ્થર માની દાદાએ ચોરેલી ગાડી મૂળ માલિક સુરેશભાઈને ચાળવા ગામે આવીને તાજેતરમાં પરત કરી હતી. ભરતભાઈના પરિવારે ગાડીનું પૂજન કરી વાજતે ગાજતે સ્વાગત કર્યું હતું. હરીશભાઈ અને તેમનાં પત્નીને પણ સુરેશભાઈએ માન સન્માન સાથે વિદાય આપી હતી.