દાહોદ: જો કોઇના ખિસ્સામાં પૈસા નથી તો પરેશાન થવાની જરૂર નથી કારણ કે, હવે પ્લાસ્ટિકના બદલામાં નાસ્તો અને ચ્હા મળી શકે છે. જોકે આ માટે તમારે દાહોદ પહોંચવું પડશે.
પર્યાવરણ પ્રત્યે લોકોને જાગૃત કરવા તેમજ જિલ્લાને પ્લાસ્ટિક મુક્ત કરવા દાહોદમાં એક અનોખા પ્રયોગ તરીકે પ્લાસ્ટિક કેફે શરૂ કરાયું છે. તાલુકા પંચાયત કચેરી નજીક કાર્યરત થયેલું આ કેફે તેના સ્વપ્નદૃષ્ટા ડિસ્ટ્રીક્ટ ડેવલપમેન્ટ ઓફિસર (ડીડીઓ) રચિત રાજેના હસ્તે ખુલ્લું મૂકાયું છે. પ્લાસ્ટિકથી પર્યાવરણને
થતાં નુકસાનને રોકવા માટે થયેલા આ પ્રયોગને ગુજરાતમાં સૌથી અનોખી પહેલ માનવામાં આવે છે.
અહીં પ્લાસ્ટિકના એક કિલો ભંગારના બદલામાં નાસ્તો અને અડધો કિલો ભંગારના બદલામાં ચ્હા આપવા સ્થાનિક વહીવટી તંત્રે જ પ્લાસ્ટિક કેફે ખોલ્યું છે. આ પ્લાસ્ટિક કેફેમાં રિસાઈકલ કરી શકાય તેવું દરેક પ્રકારનું પ્લાસ્ટિક લેવાય છે. પ્લાસ્ટિકની થેલીઓ સાથે પ્લાસ્ટિકની ડોલ કે ટબના ટુકડા પણ લઇને તેનું વજન કરી નાસ્તો કે ચ્હા પીરસાય છે.
જો આ પ્રયોગ દાહોદમાં સફળ થશે તો જિલ્લાના દરેક તાલુકા મથકે આવું કેફે શરૂ કરાશે. કચરો વીણવાવાળી ગરીબ વ્યક્તિ હોય કે પછી શહેરને સ્વચ્છ રાખવા તત્પર એક જાગૃત નાગરિક હોય - સહુ કોઇ માટે આ કેફે ઉપલબ્ધ છે. જો તમે પણ એક કિલો પ્લાસ્ટિક લાવો છો તો તેના બદલામાં તમને સમોસા, ભજિયા કે પૌવા મળશે. આ ઉપરાંત ૫૦૦ ગ્રામ પ્લાસ્ટિકના બદલામાં ચ્હાની લિજ્જત માણી શકો છો.
આ કેફેમાં એકઠું થનારું પ્લાસ્ટિક તંત્ર દ્વારા રિસાઇકલ માટે વેચવામાં આવશે.
સમસ્યાનું સમાધાન - રોજગારીનું સર્જન
દાહોદના ડીડીઓ રચિત રાજના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટ થકી પ્લાસ્ટિકના કચરાની સમસ્યાનું સમાધાન શોધવા ઉપરાંત સ્વસહાય જૂથની બહેનોને રોજગારી આપવાનો પણ છે. દાહોદમાં શરૂ થયેલા આ સૌપ્રથમ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ પ્લાસ્ટિક કચરાનો ઘટાડો, પુન: ઉપયોગ અને પ્લાસ્ટિકનો અન્ય વસ્તુમાં રૂપાંતરિત કરવાનો છે.