નવી દિલ્હીઃ મોદી સરકારે ૨૦૧૯માં સતત બીજી ટર્મ માટે દેશની શાસનધૂરા સંભાળ્યા બાદ પહેલી વખત મોટા પાયે પ્રધાનમંડળનો ગંજીફો ચીપાયો છે. પ્રધાનમંડળના વિસ્તરણમાં ૪૩ નવા પ્રધાનોને સ્થાન અપાયું છે તો બીજી તરફ રવિશંકર પ્રસાર, પ્રકાશ જાવડેકર સહિત ૧૨ કેન્દ્રીય પ્રધાનોને વિદાય આપવામાં આવી છે. આગામી વર્ષે વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજકીય વિશ્લેષકો આ પગલાંને મહત્ત્વનું ગણાવી રહ્યા છે. જોકે એ વાતનો ભાગ્યે જ કોઇ ઇન્કાર કરી શકશે કે પ્રધાનમંડળની આ પુનર્રચનાએ કેન્દ્ર સરકારમાં ગુજરાતનું વર્ચસ વધાર્યું છે. છ દસકામાં પહેલી વખત કેન્દ્રમાં ગુજરાતી પ્રધાનોનું પ્રતિનિધિત્વ નવ ટકાના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સહિત સાત ગુજરાતી પ્રધાનમંડળમાં બિરાજે છે.
સાતમી જુલાઇએ થયેલા વિસ્તરણમાં પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને કેબિનેટ પ્રધાન તરીકે બઢતી મળી છે તો દર્શના જરદોશ (સુરત), દેવુસિંહ ચૌહાણ (ખેડા), ડો. મહેન્દ્ર મુંજપરા (સુરેન્દ્રનગર)ને રાજ્ય પ્રધાન તરીકે સ્થાન મળ્યું છે. નવા પ્રધાનોના શપથ સાથે પ્રધાનમંડળના સભ્યોની કુલ સંખ્યા ૮૧ થઇ છે જે મુજબ, પ્રધાનમંડળમાં ગુજરાતીનો હિસ્સો નવ ટકા છે. એક સાથે ૭ ગુજરાતીઓ પ્રધાનમંડળમાં હોય એવું અગાઉ ક્યારેય બન્યું નથી. નરેન્દ્ર મોદી ૨૦૦૧માં ગુજરાતમાં મુખ્ય પ્રધાન બન્યા ત્યારથી આજ સુધી તેમનું આ સૌથી મોટું પ્રધાનમંડળ હશે. ઉલ્લેખનીય છે કે વિદેશ પ્રધાન એસ. જયશંકર પણ ગુજરાતથી જ રાજ્યસભામાં ગયા છે.
નિવેદનબાજી ટાળો, સમયસર ઓફિસે પહોંચો
કેન્દ્રીય કેબિનેટના વિસ્તરણ બાદ તેની પહેલી બેઠક બીજા જ દિવસે દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારી માટે ૨૩,૧૨૩ કરોડ રૂપિયાનું પેકેજ મંજૂર કરાયું હતું. આ ઉપરાંત કૃષિ કાયદાના વિરોધનો સામનો કરી રહેલી સરકારે એપીએમસી માટે રૂ. ૧ લાખ કરોડના ભંડોળને પણ મંજૂરી આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવા પ્રધાનોને સલાહ આપી હતી કે નકામા નિવેદનો ન કરે અને સમયસર મંત્રાલય પર પહોંચે. જે પ્રધાનો કેબિનેટમાં નથી તેમનું પણ બહુ મોટું યોગદાન છે. નવા પ્રધાનોએ તેમની પાસેથી શીખવું જોઈએ. તેમના અનુભવનો લાભ લેવો જોઈએ. પ્રધાનોને ચોમાસુ સત્રને ધ્યાનમાં લઈ દિલ્હીમાં રહેવા કહેવાયું છે. સાંસદો સાથે મુલાકાત માટેનો સમય પણ નક્કી કરવા પણ કહેવાયું છે.
કૃષિપ્રધાન નરેન્દ્રસિંહ તોમરે ખેડૂતોને ફરી આંદોલન સમાપ્ત કરવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે સરકાર કૃષિકાયદા પરત ખેંચવા સિવાય ખેડૂતો સાથે તમામ મુદ્દે વાતચીત કરવા તૈયાર છે. તોમરે આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયા અને માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુર સાથે સરકારના નિર્ણયોની માહિતી આપી હતી. સરકારે ૨૦૨૦માં કોરોના માટે ૧૫ હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું હતું. ત્રીજી લહેરને ધ્યાનમાં લઈ ૨૩,૧૨૩ કરોડ રૂપિયાનું બીજું પેકેજ અપાયું છે. તેમાં ૧૫ હજાર કરોડ કેન્દ્ર આપશે જ્યારે ૮૧૨૩ કરોડ રૂપિયા રાજ્ય સરકાર ભોગવશે. આ માટે દેશભરમાં ૨૦ હજાર આઈસીયુ બેડ વધારાશે.
અમિત શાહ પવારનું પત્તું કાપશે
કેન્દ્ર સરકારના પ્રધાનમંડળના વિસ્તરણ બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હજુ આગલા દિવસે છઠ્ઠી જુલાઇએ જ નવાં બનાવેલાં સહકાર મંત્રાલયનો હવાલો ગૃહપ્રધાન અમિત શાહને સોંપ્યો હતો. અમિત શાહ પાસે સહકાર મંત્રાલય આવતા હવે તેઓ આ ક્ષેત્રમાં દબદબો ભોગવતા શરદ પવારના શસ્ત્રોની ધાર બૂઠી કરી નાંખશે. મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી બાદ ભાજપ સાથે એનસીપીના ગઠબંધન થકી સરકાર રચવાના શાહના મનસૂબા પર પવારે પાણી ઢોળ્યું હતું તે વખતનો સ્કોર શાહ હવે સેટલ કરશે. તે ઉપરાંત હાલ પવાર ત્રીજા મોરચાની રચનાને લઇને સક્રિય થયાં છે તેને પણ તેઓ આ સમયમાં બ્રેક મારી દેશે.
ભારતમાં સહકારી ક્ષેત્રે ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટક રાજ્યો મોખરે છે. હાલ ગુજરાતનું સહકાર ક્ષેત્ર ભાજપ પાસે છે અને પરોક્ષ રીતે તેમાં અમિત શાહ દબદબો ભોગવે છે. કર્ણાટકમાં પણ ભાજપની જ સરકાર છે. હવે વાત રહી મહારાષ્ટ્રની અને તેમાં પવારના વર્ચસ્વની, તો તેમાં હવે કેન્દ્રીય પ્રધાન તરીકે અમિત શાહ વ્યૂહાત્મક ભૂમિકા થકી પવાર પાસેથી તેમનું પ્રભુત્વ આ ક્ષેત્રમાંથી આંચકી લેશે તેવી ગણતરી ખોટી નહીં પડે. આમ થવાથી આર્થિક અને રાજકીય તેમજ સામાજિક રીતે પણ પવારની શક્તિઓ ઓછી થઇ જશે.
આ તરફ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની જવાબદારી મનસુખ માંડવિયાને કેબિનેટ પ્રધાન તરીકે મળી છે અને તેમાં ફર્ટિલાઇઝર અને કેમિકલ્સ મંત્રાલયનો હવાલો પણ તેમની પાસે જ રહ્યો છે. માંડવિયાએ હાલમાં દેશમાં કોરોનાની બીજી લહેર વખતે રેમડેસિવીર અને બ્લેક ફંગસના ઇંજેક્શનનો મોટો જથ્થો વિદેશોમાંથી લાવવામાં સફળતા મેળવી હતી તે વાત મોદીના ધ્યાને છે અને તેથી જ તેમને આ શિરપાવ મળ્યો છે.
દેશના ચાર મહત્ત્વના મંત્રાલયો ગૃહ, સંરક્ષણ, નાણાં અને વિદેશ બાદ આરોગ્ય પાંચમું મંત્રાલય છે જે ખૂબ અગત્યનું છે. હવે આગામી સમયમાં દેશમાં આરોગ્યલક્ષી સુવિધાઓ ઊભી કરવાથી માંડીને રસી, દવાઓ, ઓક્સિજન વગેરેનું કામ માંડવિયાએ પડકારની રીતે ઝીલવાનું છે.
પ્રધાનોને મંત્રાલયોની ફાળવણી
દિલ્હીમાં બુધવારે સાંજે ૪૩ નવા પ્રધાનોના શપથગ્રહણ બાદ મોડી રાત્રે કેન્દ્ર દ્વારા નવા પ્રધાનોને ખાતાની વહેંચણી અને યથાવત રહેલા પ્રધાનોના ખાતામાં કરાયેલા સુધારા અને વધારાના હવાલાની જાહેરાત કરાઇ હતી. કેટલાક પ્રધાનોને પ્રમોશન અપાયું હતું તો કેટલાક પાસેથી વધારાની જવાબદારીઓ પાછી લેવાઇ હતી. ગૃહ પ્રધાન અમિત શાહને નવા રચાયેલા સહકાર મંત્રાલયનો હવાલો અપાયો છે. શિક્ષણ જેવું મહત્ત્વનું મંત્રાલય ધર્મેન્દ્ર પ્રધાનને સોંપાયું છે. પિયુષ ગોયલ પાસેથી રેલવે મંત્રાલયનો હવાલો પાછો લઇ બોજો ઓછો કરાયો છે તો અનુરાગ ઠાકુરને માહિતી અને પ્રસારણની મહત્ત્વની જવાબદારી સોંપાઇ છે. નવા કેબિનટ પ્રધાન નીમાયેલા કિરેન રિજિજૂને કાયદા જેવું મહત્ત્વનું મંત્રાલય જ્યારે પરષોત્તમ રૂપાલાને પશુપાલન મંત્રાલયની જવાબદારી અપાઇ છે. મીનાક્ષી લેખીને વિદેશ મંત્રાલયમાં રાજ્યકક્ષાના પ્રધાન બનાવાયાં છે તો સ્મૃતિ ઇરાનીને ફક્ત મહિલા અને બાળ વિકાસ મંત્રાલયથી સંતોષ માનવો પડયો છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને નાગરિક ઉડ્ડયન મંત્રાલય જ્યારે નારાયણ રાણેને એમએસએમઇ મંત્રાલય સોંપાયું છે. ૩૫ વર્ષીય નિશિથ પ્રમાણિક મોદી સરકારની નવી કેબિનેટના સૌથી યુવા પ્રધાન બન્યા છે. તેમને ગૃહ મંત્રાલય અને યુવા તથા રમત મંત્રાલયમાં રાજ્ય કક્ષાનો ભાર સોંપાયો છે.