ગાંધીનગરઃ આ વર્ષે દિવાળીના તહેવારોની રજા અને વેકેશનના પખવાડિયા દરમિયાન ગુજરાતમાં 16 પ્રવાસન સ્થળોએ 61 લાખ 70 હજાર 716 પ્રવાસીઓ નોંધાયા છે. ગુજરાતી નવ વર્ષના આરંભે દેવદર્શનની પરંપરા નવી પેઢીએ પણ અકબંધ રાખી હોય તેમ 26ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે દ્વારકા, અંબાજી અને સોમનાથ સહિતના દેવસ્થાનો ઉપર સૌથી વધુ પ્રવાસીઓ-દર્શનાર્થીઓ ઉમટ્યાનો પ્રવાસન વિભાગનો અહેવાલ છે.
ટુરિઝમને કારણે પ્રવાસન સ્થળોએ સ્થાનિક અર્થતંત્રને વેગ મળતો હોવાથી રાજ્ય સરકારે ધાર્મિક અને આનંદપ્રમોદના સ્થળોએ એકથી વધુ આકર્ષણોનું સર્જન કર્યું છે. જેના પગલે પહેલાના સમયમાં જ્યાં પર્યટકો માત્ર કલાકોનું રોકાણ કરતા ત્યાં હવે બેથી ત્રણ દિવસના રોકાણો થઈ રહ્યા છે. દિવાળી વેકેશનમાં ધાર્મિક સ્થળો ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર સફારી, નડાબેટ, સુર્યમંદિર જેવા ઐતિહાસિક સ્થળો ઉપર પણ પ્રવાસીઓની સંખ્યા વધી છે.
અમદાવાદ શહેરમાં સ્થાનિક અને બહારથી આવતા પ્રવાસીઓ માટે કાંકરિયા તળાવ સૌથી વધુ હોટ ફેવરિટ સ્થળ રહ્યુ છે. જ્યારે રિવરફ્રન્ટ ઉપર ફ્લાવર પાર્ક કરતા વધારે મુલાકાતીઓ અટલ બ્રિજ ઉપર જઈ રહ્યા છે. દિવાળીના 15 દિવસમાં ફ્લાવર પાર્કના 11 ગણા પર્યાટકો અટલ બ્રિજ ખાતે નોંધાયા હતા.
ગુજરાતનાં જાણીતાં પ્રવાસન સ્થળો
• સ્ટેચ્યુ ઓફ યુનિટી • અટલ બ્રિજ • રિવરફ્રન્ટ ફલાવર પાર્ક • કાંકરિયા તળાવ • પાવગઢ રોપવે સુવિધા • અંબાજી-ગબ્બર રોપવે • ગીરનાર રોપવે • સાયન્સ સિટી • વડનગર આકર્ષણો • સોમનાથ મંદિર • દ્વારકા મંદિર • નડાબેટ • મોઢેરા સૂર્ય મંદિર • સ્મૃતિવન સ્મારક-ભુજ • ગીર સફારી + દેવળીયા • દાંડી સ્મારક