અમદાવાદ: દિવાળીના તહેવારોમાં અપાયેલી છૂટછાટના કારણે રાજ્યમાં કોરોના વાઇરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. છેલ્લા ૭ દિવસથી સતત દૈનિક કેસનો આંકડો ૧,૫૦૦ને પાર નોંધાયા બાદ મંગળવારે તેમાં આંશિક ઘટાડો નોંધાયો હતો. મંગળવાર સાંજ સુધીના વીતેલા ૨૪ કલાકમાં નવા ૧૪૭૭ કેસ નોંધાયા છે. બીજી તરફ સોમવારે ૯૬ દિવસ બાદ રાજ્યમાં એક દિવસમાં ૨૦ દર્દીનાં મોત નીપજ્યાં છે. આ પહેલા ગત ૨૫ ઓગસ્ટના રોજ એક જ દિવસમાં ૨૦ દર્દીનાં મોત નીપજ્યાં હતા. ત્યાર બાદ દૈનિક મૃત્યુ સંખ્યામાં સતત ઘટાડો થવા લાગ્યો હતો. પરંતુ ૨૨ નવેમ્બરથી ફરી દૈનિક મોતનો આંકડો ડબલ ડિજિટમાં નોંધાઈ રહ્યો છે. મંગળવારે વીતેલા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના કારણે જીવ ગુમાવનાર દર્દીઓમાં અમદાવાદમાં ૧૦, સુરતમાં ૨ અને વડોદરા - અમરેલી - પાટણમાં ૧-૧ દર્દીના મૃત્યુ નોંધાયા છે. આમ અત્યાર સુધીમાં કોરોનાથી મોતને ભેટનારા દર્દીઓની કુલ સંખ્યા ૪૦૦૪એ પહોંચી છે.
ગુજરાતમાં કોરોના વાઇરસના કુલ કેસની સંખ્યા ૨,૧૧,૨૫૭એ પહોંચી છે. સારવાર હેઠળ રહેલા વધુ ૧૫૪૭ દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધી રાજ્યના કુલ ૧,૯૨,૩૬૮ નાગરિકોએ કોરોનાને માત આપી છે. આમ કુલ કેસની સરખામણીએ સાજા થનાર દર્દીઓની ટકાવારી ૯૧.૦૬ ટકા થઈ છે.
છેલ્લી સ્થિતિ પ્રમાણે, રાજ્યમાં કુલ ૧૪,૮૮૫ દર્દી સારવાર લઈ રહ્યાં છે. જેમાંથી ૮૧ દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. આ સિવાયના ૧,૪૮,૮૮૭ દર્દીઓ સ્થિતિ સુધાર પર હોવાનો સરકારનો દાવો છે. આજની તારીખે રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં કુલ ૫,૨૨,૧૯૮ વ્યક્તિઓને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યાં છે. જેમાંથી ૧૮૩ વ્યક્તિઓને ફેસિલિટી ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યાં છે અને બાકીના વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઇન છે.
દર કલાકે સરેરાશ ૩૪ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાઈરસના પ્રથમ કેસથી લઈને અત્યાર સુધીની સરેરાશ જોઈએ તો દર કલાકે ૩૪ પોઝિટિવ કેસ નોધાયા છે. રાજ્યમાં પ્રથમ પોઝિટિવ કેસ ૧૯મી માર્ચના રોજ નોધાયો હતો, જેને સોમવારે ૨૫૭ દિવસ પુરા થયા છે. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં કુલ કેસની સંખ્યા ૨,૦૯,૭૮૦ થઈ છે. રાજ્યમાં નોધાયેલા કુલ પોઝિટિવ કેસની દૈનિક સરારેશ જોઈએ તો ૮૧૬.૨૬ થાય છે. જ્યારે દર કલાકની સરેરાશ કાઢીએ તો ૩૪ થાય છે. આ સિવાય અત્યાર સુધીમાં કોવિડ-૧૯ના કારણે રાજ્યમાં કુલ ૪૦૦૪ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
પૂર્વ-મધ્ય ગુજરાતમાં વધુ કેસ, સૌરાષ્ટ્રમાં ઓછો મૃત્યુદર
ગુજરાતમાં કોરોનાના કેસનો ગ્રાફ સતત ઊંચે જઇ રહ્યો છે અને કુલ કેસનો આંક હવે ૨.૧૦ લાખની નજીક છે. ઝોન પ્રમાણે જોવામાં આવે તો અમદાવાદ-ખેડા-આણંદ-વડોદરા-છોટા ઉદેપુર-પંચમહાલ-મહીસાગર-દાહોદને સાંકળતા પૂર્વ-મધ્ય ગુજરાતમાં કોરોનાના ૮૧,૮૩૮ કેસ જ્યારે ૨૩૩૬ના મૃત્યુ થયા છે. આમ, ગુજરાતમાં અત્યાર સુધી કોરોનાના જે કુલ કેસ નોંધાયા છે તેમાંના ૪૦ ટકાથી વધુ માત્ર પૂર્વ-મધ્ય ગુજરાતમાંથી છે. મૃત્યુદર સૌરાષ્ટ્રમાં સૌથી ઓછો ૦.૮૩ ટકા જ્યારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં સૌથી વધુ ૨.૮૫ ટકા છે. દક્ષિણ ગુજરાત ૯૬.૮૨ ટકા સાથે સૌથી વધુ જ્યારે ઉત્તર ગુજરાત ૮૮.૯૧ ટકા સાથે સૌથી ઓછો રિકવરી રેટ ધરાવે છે. ઝોન પ્રમાણે ગાંધીનગર-મહેસાણા-બનાસકાંઠા-સાબરકાંઠા-પાટણ-અરવલ્લી-મહેસાણા ઉત્તર ગુજરાતમાં સામેલ છે.
આવા લોકોને કોવિડ સેન્ટરમાં મૂકો: હાઇકોર્ટ
ગુજરાતમાં વધી રહેલા કોરોનાના કેસો અંગે હાઈ કોર્ટે ચિંતા વ્યક્ત કરી છે. હાઈ કોર્ટે રાજ્ય સરકારને સંક્રમણને રોકવા માટે કડક પગલાં લેવા માટે આદેશ કર્યો છે. હાઈ કોર્ટે કોરોનાની ગંભીર પરિસ્થિતિમાં માસ્ક વિના ફરતા લોકો સામે લાલ આંખ કરી સરકારને સૂચન કર્યું હતું કે માસ્ક વિનાના લોકો પાસેથી દંડની સાથે ૮ દિવસ કોવિડ સેન્ટરમાં કામ કરાવો. સરકાર આ મુદ્દે વિચાર કરે અને આગામી મુદત સમયે પોતાનો જવાબ રજૂ કરે.
કોરોનાના બીજા તબકકા દરમિયાન સરકારે શું પગલાં લીધા? હાઇ કોર્ટે સરકારને આ વિશે પૂછતાં સરકાર તરફથી એવો જવાબ અપાયો હતો કે લગ્ન-મરણમાં મર્યાદિત લોકોની હાજરી ફરજિયાત કરી છે. લગ્નમાં ૧૦૦ અને મરણમાં ૫૦ માણસો હાજર રહી શકશે. કોર્ટે સરકારને એવો સવાલ કર્યો હતો કે શું લગ્ન ૧ વર્ષ માટે મોકૂફ ન રાખી શકાય? લગ્નમાં ભેગા થયેલા ૧૦૦ લોકો કોરોના નહીં ફેલાવે? આ સંજોગોને સરકાર કેવી રીતે નિયંત્રિત કરી શકશે?
અમદાવાદમાં કોરોના વધુ ઘાતકઃ ડો. દેસાઇ
અમદાવાદ મેડિકલ એસોશિયેશનના પૂર્વ પ્રમુખ ડો. મોનાબહેન દેસાઈએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, દિવાળી પછી શહેરમાં સંક્રમણ ખૂબ વધ્યું છે. સાથે સાથે મૃત્યુદરમાં પણ વધારો થયો છે. કોરોનામાં પહેલા મૃત્યુદર ૧.૦૨ ટકા હતો. જે હવે ૪ ટકા પર પહોંચી ગયું છે. શહેરમાં કોરોના ઘાતક બની રહ્યા છે. જો લોકો પોતે સાવચેત નહિ બને તો હજુ સ્થિતિ ગંભીર બની શકે તેમ છે. ડો. દેસાઇએ જણાવ્યું હતું કે, શહેરમાં કોરોના ઘાતક બની રહ્યો છે. લોકોના મોત પણ વધી રહ્યા છે. સરકારની દોડાદાડી જ બતાવે છે કે, સ્થિતિ અતિ ગંભીર છે. ખાનગી હોસ્પિટલોના બેડમાં વારંવાર વધારો કરવો પડ્યો છે. પહેલા તાવ રહેતો હતો, પણ હવે આઠમા - નવમા દિવસ સુધી પણ કોરોના દર્દીને તાવ નોર્મલ થતો નથી. ઓક્સિજનની કમી પણ હવે વધારે થઈ રહી છે. વેન્ટીલેટર પર પણ દર્દીઓ વધારે જઈ રહ્યા છે. આ વાયરસ વધારે ઘાતક છે એટલે વધુ સાવચેત થવાની જરૂર છે. જો આપણે હજુ પણ નહિ સમજીએ, ડિસ્ટન્સનું ધ્યાન નહીં રાખીએ તો પરિણામો વધુ ઘાતક હશે. સરકાર એકલી આમાં શું કરે? પોતાને ચેપ ના લાગે તે માટે લોકોએ જાતે જ કોશિશ કરવી પડશે.
દર ૧૦૦ RT-PCRટેસ્ટમાંથી ૩૦ પોઝિટિવ
દિવાળીના તહેવારોમાં બેદરકાર બનીને ખરીદી કરવી અને ફરવું અમદાવાદીઓને ભારે પડી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાનું પ્રમાણ વધ્યું છે તેમાં શંકાને સ્થાન નથી. તેનું કારણ એ પણ છે કે RT-PCR ટેસ્ટની પોઝિટિવિટીમાં પણ વધારો નોંધાયો છે. દર ૧૦૦ ટેસ્ટ પૈકી ૩૦થી ૩૫ લોકો પોઝિટિવ થયાનું નિદાન થઈ રહ્યું છે, જે ચિંતાજનક છે. અત્યાર સુધી ગુજરાતમાં કોરોના પર માંડ કાબૂ મેળવાયો હતો પણ દિવાળીના તહેવારો આવતા જ લોકો કોરોનાને ભૂલી ગયા હતા. પરિણામ એ આવ્યું કે ફરી કોરોનાએ અમદાવાદમાં ઉથલો માર્યો છે. અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ડોક્ટર જે.વી. મોદીનું કહેવું છે કે, દિવાળી પહેલા એવી પરિસ્થિતિ હતી કે, દર ૧૦૦ દર્દી પૈકી માત્ર પંદર-વીસ લોકોના ટેસ્ટ પોઝિટિવ આવતા હતા, દિવાળીના અરસામાં ફરી એક વાર કેસો વધતા એવી સ્થિતિનું નિર્માણ થયું કે, દર ૧૦૦ દર્દીમાં ૫૦ જણાને પોઝિટિવ કેસ આવતા હતા. જોકે, હવે પોઝિટિવિટીમાં આંશિક ઘટાડો થયો છે.
ગુજરાતમાં કોવેક્સિનનું પરીક્ષણ શરૂ
ભારત બાયોટેકની કોવેક્સિન નામની રસીના ત્રીજા તબક્કાનું હ્યુમન ટ્રાયલ ગુજરાતમાં અમદાવાદ ખાતે શરૂ થયું છે. અમદાવાદ સ્થિત સોલા સિવિલ હોસ્પિટલમાં ૫૦૦થી વધુ વોલિયન્ટરને રસી આપવાની કામગીરી શરૂ કરાઇ છે. સોલા સિવિલ હોસ્પિટલના પ્રથમ માળે મેડિસિન વિભાગમાં કોરોનાની રસીની ટ્રાયલ શરૂ કરાઇ છે. કોરોનાની રસીના ટ્રાયલની તાલીમ માટે દિલ્હીથી નિષ્ણાતોની એક ટીમ અમદાવાદ પહોંચી છે. આ ટીમ સ્થાનિક તબીબોને કેવી રીતે રસી આપવી અને કેવી રીતે મોનિટરીંગ કરવું તેનું માર્ગદર્શન આપે છે.
નોંધનીય છે કે બિઝનેસમેન, વિદ્યાર્થીઓ, મેડિકલ સ્ટુડન્ટ સહિત સ્વૈચ્છિક સંસ્થાના કાર્યકરોએ વેક્સિનની ટ્રાયલમાં ભાગ લેવા નામ નોંધાવ્યા છે. ટ્રાયલ માટે સ્વસ્થ લોકોની પસંદગી કરાઈ છે અને તેમની લેખિત સંમતિ બાદ તેમને ટ્રાયલ રસી અપાઇ હતી. ૫૦૦થી વધુ વોલિયન્ટરને રસી આપ્યા બાદ તેની અસરકારકતાનો અંદાજ આવી શકશે. કોઈ વિપરીત પરિણામ નહીં આવે તો આ રસીના ઉત્પાદનને લઈ મંજૂરીની પ્રક્રિયા હાથ ધરાશે.