દુબઈઃ દુબઇમાં ચોરી અને લૂંટના પ્રયાસમાં હિરેન અઢિયા (ઉં ૪૦) અને તેમનાં પત્ની વિધિ અઢિયાને દુબઇના એરેબિયન રાન્ચિઝ વિલામાં મારી નંખાયા હતા. એમ દુબઇ પોલીસે કહ્યું હતું. પોલીસે ૨૪ કલાક કરતાં પણ ઓછા સમયમાં હત્યારા પાકિસ્તાનીને પકડી લીધો હતો. દુબઇ પોલીસે કહ્યું કે મૃતકનાં પુત્રીએ પોલીસને ઘટનાની જાણ કરતાં પોલીસ તથા પેટ્રોલ અને ફોરેન્સિક નિષ્ણાતોની ટીમ બે માળના વિલામાં પહોંચી હતી. એક કંપનીમાં ઈજનેર તરીકે કામ કરતા હિરેન અને વિધિને એક ૧૮ અને એક ૧૩ વર્ષની પુત્રીઓ છે. દુબઇના ભારતીય કોન્સુલ જનરલે આ દંપતીને ઓળખી કાઢ્યા હતા. પોલીસે કહ્યું હતું કે ૧૮ જૂને પરિવાર સૂતો હતો ત્યારે આરોપી ઘરમાં ઘૂસ્યો હતો. પહેલાં તેણે ૨૦૦૦ દિરહમ સાથે પાકિટની ચોરી કરી પછી વધુ ચોરી કરવા બેડરૂમમાં ગયો. ત્યારે હિરેન જાગી જતાં આરોપીએ તેમને ચપ્પુ મારી દીધું હતું. એ સમયે વિધિ પણ જાગી ગયાં ત્યારે આરોપીએ બંનેને બેફામ ચપ્પુના ઘા મારીને મારી નાંખ્યા. તેમની ૧૮ વર્ષની પુત્રી જાગી જતાં આરોપીએ તેને પણ ગળામાં ચપ્પુ માર્યું અને ભાગી ગયો હતો. તમામ કાર્યવાહી પૂરી કરીને બંને પુત્રીઓ માતા-પિતાનાં કોફિન્સ સાથે ભારત આવી અને ૨૫મીએ મૃતદેહનાં અંતિમ સંસ્કાર જામનગરમાં કર્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે બીએપીએસ હિંદુ મંદિરના ડાયરેક્ટર અશોકભાઇ કોટેચાએ જણાવ્યું કે દુબઇથી મૃતકના કોફિન્સ અને બંને દીકરીઓને ભારત-ગુજરાત મોકવાની વ્યવસ્થા સૌહાર્દ-માનવતાપૂર્ણ રીતે થઇ હતી, પરંતુ દીકરીઓને અને મૃતકના કોફિન્સ અમદાવાદમાં ઉતરે ત્યારબાદ બધી જ કાયદાકીય પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય, મૃત્યુનો મલાજો જળવાય તે રીતે અંતિમ સંસ્કાર થાય તે માટેની સઘળી વ્યવસ્થા બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજ્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીજીએ દેખરેખ હેઠળ થઇ હતી.
જોકે આ ઘટનામાં અઠવાડિયાથી રાત-દિવસ જોયા વગર મદદ કરનારી દુબઇ પોલીસ, ભારતીય દૂતાાવાસ અને બીએપીએસ હિંદુ મંદિરના ડાયરેક્ટર અશોકભાઇ કોટેચાની નિઃસ્વાર્થ સેવાએ માનવતાનું એક વૈશ્વિક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બંને દીકરીઓએ તમામનો આભાર પણ માન્યો છે.