અમદાવાદ: દુબઈના અગ્રણી બિઝનેસમેન અને બી.એ.પી.એસ હિન્દુ મંદિર અબુધાબીના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપનારા ૭૬ વર્ષીય રોહિતભાઈ પરસોત્તમભાઈ પટેલનું ૨૧મી જાન્યુઆરીએ નિધન થયું હતું. બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય બ્રહ્મવિહારીદાસજી સ્વામીએ દિવંગત રોહિતભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપતાં જણાવ્યું હતું કે, સરળ અને નિષ્ઠાવાન રોહિતભાઈ પ્રમુખસ્વામી મહારાજ અને મહંતસ્વામી મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરીને સમાજ, સત્સંગમાં સેવા આપતા રહ્યા હતા. કુદરતી આપત્તિ હોય કે ભારતના જરૂરિયાતમંદ આદિવાસી ક્ષેત્રના લોકો, વિયેતનામના વંચિતો હોય તેમણે સૌની સાચા મનથી સેવા કરી છે. વિશ્વભરનાં અનેક મંદિરો સહિત અબુધાબીમાં નિમાર્ણ પામી રહેલા ઐતિહાસિક બીએપીએસ હિન્દુ મંદિરમાં પણ તેઓનું યોગદાન અનન્ય રહ્યું છે. તેઓનું જીવન અન્ય લોકો માટે પ્રેરણાદાયી છે.