અમદાવાદઃ દુબઇમાં મિલકત ખરીદનારા ઘણા ગુજરાતીઓને આવકવેરા વિભાગે ઇન્કમ ટેક્સ એક્ટના સેકશન 131 (1એ) હેઠળ નોટિસો મોકલવાનું શરૂ કર્યું છે. આવકવેરા નિષ્ણાતોના મતે આવી નોટિસો મોટા ભાગે ‘પાન’ (પરમેનન્ટ એકાઉન્ટ નંબર)ના આધારે નહીં પરંતુ પાસપોર્ટની વિગતો મેળવીને મોકલાઇ હોવાની શક્યતા છે. આનું કારણ એ છે કે વિદેશમાં પ્રોપર્ટી ખરીદવામાં આવે ત્યારે ભારતના આવકવેરા વિભાગ દ્વારા જારી કરાતાં ‘પાન’ની જરૂરત પડતી નથી.
વિદેશમાં અને તેમાંય ખાસ કરીને દુબઈમાં લોન પર સરળતાથી પ્રોપર્ટી ખરીદી શકાતી હોવાથી અને ભાડાની આવક ઊંચી હોવાથી ઘણા ભારતીયો દુબઈમાં રોકાણ કરવા લલચાયા છે ત્યારે આવકવેરા વિભાગ દ્વારા હવે આવા ગુજરાતી રોકાણકારોને નોટિસ પાઠવીને પૂછવામાં આવી રહ્યું છે કે તમે વિદેશમાં જે પ્રોપર્ટી ખરીદી છે તેની માલિકી કોની છે? તમે આ પ્રોપર્ટી ખરીદવા માટેના પૈસા કયાંથી લાવ્યા? આ પ્રોપર્ટી ખરીદવા માટેની ચૂકવણી કરવા માટે તમે હપ્તાની કઈ રીતે ગોઠવણ કરી છે? તમે ભૂતકાળમાં કેટલી કમાણી કરી છે? વગેરે વિગતો માંગવામાં આવી રહી છે. જે લોકો પોતે વિદેશમાં પ્રોપર્ટી ખરીદવા માટેના પૈસા ક્યાંથી લાવ્યા તેનો ખુલાસો કરી શકે એમ નથી તેમના માટે મુશ્કેલી ઊભી થઇ શકે છે.
નોટિસમાં પ્રોપર્ટી ખરીદનારનું નામ, વિદેશમાં ખરીદાયેલી પ્રોપર્ટીનું એડ્રેસ, મિલકત ક્યારે ખરીદવામાં આવી તેની તારીખ, કેટલી કિંમતે ખરીદાઈ, ભંડોળનો સ્રોત, કેવી રીતે ચુકવણી કરવામાં આવી વગેરે વિગતો પણ માંગવામાં આવી રહી છે.
આ નોટિસનો જવાબ આપતી વખતે જે વિગતો પૂરી પડાય તેને સમર્થન કરતાં પુરાવા અને દસ્તાવેજો પણ જવાબ આપનારે રજૂ કરવા અનિવાર્ય હોય છે. નિષ્ણાતોના મર્તે જેમણે વિદેશમાં અને તેમાંય ખાસ કરીને દુબઈમાં પ્રોપર્ટ ખરીદી છે એ તેમની પાસપોર્ટની ડિટેઇલ્સના આધારે ખરીદવામાં આવી છે. દુબઇના ડેવલપર્સ દ્વારા હાલમાં રોકાણકારોને માત્ર 20 ટકા રકમ ચુકવીને પ્રોપર્ટી ખરીદવાની તક આપવામાં આવે છે અને બાકીની 80 ટકા રકમ રોકાણકારોએ લાંબાં ગાળાના હપ્તાથી ચુકવવા માટેની વ્યવસ્થા પણ આ ડેવલપર્સ કરી આપે છે. દુબઈમાં ભાડાની આવક વધારે હોવાથી ગુજરાતી સહિત ભારતીય રોકાણકારો દુબઈમાં રોકાણ કરવા પ્રેરાય છે. હાલમાં જે રોકાણકારોએ તેમને ચૂકવવાની થતી રકમની સંપૂર્ણ ચૂકવણી કરી નથી તેમને પણ હાલમાં નોટિસ પાઠવવામાં આવી રહી છે.