ગાંધીનગરઃ આર્થિક રીતે પાયમાલ ગણાતા પાકિસ્તાનને દેશ ચલાવવા માટે અન્ય દેશ પાસેથી ઉછીના પૈસા લેવા પડે તેવી હાલત છે ત્યારે પાકિસ્તાનના વેપારીઓ વાઇબ્રન્ટ ગુજરાતમાં રોકાણ કરવા માટે ગુજરાત આવશે. વાઇબ્રન્ટ સમિટ-૨૦૧૯માં પાકિસ્તાનના રાજદ્વારીઓ આવશે તેવું હજી સત્તાવાર સમર્થન મળ્યું નથી, પણ પાકિસ્તાનના વિવિધ ઉદ્યોગકારોએ ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સહિતના વિવિધ સંગઠનના નેજામાં વાઇબ્રન્ટમાં ભાગ લેવા માટે કન્ફર્મેશન આપ્યું છે.
વાયબ્રન્ટ ગુજરાત ૨૦૧૯ના આયોજનની તડામાર તૈયારીઓ થઈ રહી છે ત્યારે આગામી ૧૯મી જાન્યુઆરીએ એમએસએમઇ માટેના કન્વેન્શન સહિતની વિવિધ ઇવેન્ટમાં ભાગ લેવા માટે પાકિસ્તાનના ઉદ્યોગકારો અને વેપારીઓએ સહમતિ દર્શાવી છે.
એમએસએમઇ સેક્ટરમાં દેશી-વિદેશી ૪૫ ઇન્ડસ્ટ્રીઝ અને વેપારી એસોસિએશનને ભાગ લેવાનું કન્ફર્મેશન આપ્યું છે. આ પૈકી પાકિસ્તાનના સરહદ ચેમ્બર ઓફ કોમર્સ, ફેડરેશન ઓફ પાકિસ્તાન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, પાકિસ્તાનની ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અને પાકિસ્તાનના સાર્ક-સીસીઆઇના પ્રતિનિધિઓએ વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેવા માટેનું કન્ફર્મેશન આપી દીધું છે.