દેશ નેતાઓથી નહીં, લોકોથી બને છેઃ વડા પ્રધાન

Wednesday 28th February 2018 06:11 EST
 
 

સુરત: નવા ભારતના નિર્માણ માટે ૨૫મી ફેબ્રુઆરીએ રાતે આઠ વાગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતના લાલભાઇ કોન્ટ્રાકટર સ્ટેડિયમમાં રન ફોર ન્યુ ઇન્ડિયાના નારા સાથે મેરેથોનને લીલી ઝંડી આપી હતી. હજારો દોડવીરોને સંબોધતાં મોદીએ અહીં કહ્યું કે, દેશ નેતાઓથી નહીં, લોકોની તાકાતથી બને છે. દુનિયામાં ભારતનો અવાજ મજબૂત થાય તેવું દરેક ભારતીય ઇચ્છે છે, પરંતુ આ સપનું ત્યારે જ સાકાર થશે જયારે ઇચ્છા સંકલ્પમાં ફેરવાય. નવું ભારત જાતિવાદ, સાંપ્રદાયિકતા, ભ્રષ્ટાચાર, ગરીબીથી મુકત હોય અને યુવાનોનાં સપનાંને અનુકૂળ હોય. લોકો દૃઢ નિશ્ચય કરે તો આ શક્ય છે. બાર મિનિટના પ્રવચનમાં મોદીએ આશા વ્યક્ત કરી કે, હું ઇચ્છીશ કે ૨૧મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે સુરતમાં સામૂહિક યોગનો નવો વિશ્વ વિક્રમ બને. ૩૧મી ઓકટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી છે. આ દિવસે દેશમાં રન ફોર યુનિટી થાય તેમાં પણ સુરત અગ્રેસર રહેશે એવો વિશ્વાસ છે.
આ ઉપરાંત મોદીએ કહ્યું કે, નાગરિક ફિટ હોય તો દેશ અનફીટ નહીં રહે. ૧૯૪૨માં કવીટ ઇન્ડિયા ચળવળ શરૂ થતાં પાંચ જ વર્ષમાં અંગ્રેજોએ ભારત છોડી દેવું પડયું. ૨૦૨૨માં આઝાદીના ૭૫ વર્ષ પૂરા થાય છે ત્યારે આવતા પાંચ વર્ષમાં દેશવાસીઓ નવા ભારતના નિર્માણ માટે આગળ વધવાનો સંકલ્પ કરે. રાજયના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું કે સુરતના યુવાનો, વડીલો, મહિલાઓ, દિવ્યાંગો એક સાથે દોડીને સુરતને ધબકતું રાખવામાં સફળ રહ્યા છે. આ સુરતના વિકાસ માટેની દોડ છે. સ્માર્ટ સિટી, ડાયમંડ સિટી, ટેકસટાઇલ સિટી સુરત સતત આગળ વધતું રહે તેવી શુભકામના. મોદીએ લીલી ઝંડી આપતાં મેરેથોનમાં પ્રોફેશનલ રનરથી લઈને બાળકો, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના કાર્યકરો, યુવાનો, અને વૃદ્ધો હોંશભેર દોડયા હતા. ડી.જે. પર ઝૂમતા અને સેલ્ફી લેતા કેટલાક સુરતીઓએ દોટ મૂકી હતી. જોકે આ કાર્યક્રમમાં સુરત માટે વડા પ્રધાને કોઈ ખાસ યોજનાની જાહેરાત ન કરતાં સુરતવાસીઓ થોડે ઘણે અંશે નિરાશ થયા હોવાનું પણ જાણવા મળ્યું હતું. આ મેરેથોનના આગલા દિવસે વડા પ્રધાને દમણ અને દીવમાં હવાઈ સેવાના પ્રારંભથી પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે તેવું કહેતાં દમણમાં અનેક યોજનાઓની જાહેરાત કરી હતી.
દમણ લઘુભારતઃ મોદી
મોદીએ ૨૪મીએ દમણની મુલાકાત વખતે કહ્યું હતું કે, દમણ લઘુભારત બની ગયું છે. દમણ અને દીવ હવે મુખ્યધારામાં જોડાઇ ગયાં છે. મોદીએ દમણને ઓપન ડેફિકેશન ફ્રી (ઓડીએફ) કરવા તથા ૨૦૦૦ શૌચાલયોનું નિર્માણ કરવા અંગે અભિનંદન આપ્યાં હતાં. દમણ-દીવમાં એક લાખ ચાળીસ હજાર એલઇડી બલ્બનાં વિતરણથી મધ્યમવર્ગને વીજળીનાં બિલમાં રૂ. સાત કરોડની બચત થયાનો દાવો પણ વડા પ્રધાને કર્યો હતો. દમણ અને દીવનાં સાગરતટે સી ફૂડનાં ઉત્પાદન માટેની સંભાવના ચકાસવા પ્રફુલ્લભાઇ પટેલને જણાવ્યું હતું.

દમણમાં વિકાસકામોનું લોકાર્પણ
• રૂ. ૮૫૧ કરોડનાં ખર્ચે નિર્માણ પામનારા વીસ પ્રોજેક્ટની મોદી દ્વારા રિમોટ કન્ટ્રોલથી શિલાન્યાસવિધિ • દમણથી દીવ અને અમદાવાદ વચ્ચેની હવાઈ મુસાફરીની સુવિધાનો આરંભ • હોટલઉદ્યોગ તરફથી ‘નમામી ગંગે’ના નામનો રૂ. ૫૦ લાખનો ચેક મોદીને અર્પણ • રૂ. ૩૦૩ કરોડનાં ખર્ચે સંપન્ન ૧૮ જેટલા વિકાસકાર્યો (જે પૈકી છ દીવના)નું લોકાર્પણ • ‘પ્રધાનમંત્રી આવાસ યોજના’ અંતર્ગત દમણનાં શહેરી વિસ્તારમાં તૈયાર થયેલા ૮૭ આવાસો તથા ગ્રામ્ય વિસ્તારનાં ૫૩ આવાસોનાં લાભાર્થીઓને ફાળવણીપત્ર એનાયત • મોદીના હસ્તે સરસ્વતી, સાયકલ યોજનામાં ૬૮૫ બાળાઓને સાયકલ, બેને સીએનજી ટેક્ષી પરમિટ અને ૨૦ મહિલાઓને ઇ રિક્ષાનું વિતરણ


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter