ગાંધીનગર: ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડ (ડીપીઆઈઆઈટી) દ્વારા બહાર પાડવામાં આવેલા લેટેસ્ટ ડેટા પ્રમાણે ગુજરાતમાં 2024માં સીધા વિદેશી મૂડીરોકાણ (એફડીઆઈ)માં સૌથી વધુ ગ્રોથ જોવા મળ્યો છે.
વર્ષ 2023માં 4.7 બિલિયન ડોલર એફડીઆઈ ગુજરાતમાં આવ્યું હતું. તેની તુલનામાં 2024માં 7.3 બિલિયન ડોલરનું સીધું વિદેશી રોકાણ થયું છે, જે 55 ટકાનો મોટો વધારો દર્શાવે છે. ગુજરાતે એફડીઆઈ મેળવવાની બાબતમાં કર્ણાટક અને દિલ્હીને પાછળ પાડી બીજા નંબરનું સ્થાન હાંસલ કર્યું છે. વર્ષ 2024માં એફડીઆઈ મેળવવામાં મહારાષ્ટ્ર દેશમાં ટોપ ઉપર છે, જેણે ગુજરાત કરતાં વધુ 7.8 બિલિયન ડોલર યાને કુલ 15.1 બિલિયન ડોલર સીધું વિદેશી રોકાણ મેળવ્યું છે. જ્યારે કર્ણાટકમાં 6.6 બિલિયન ડોલર, દિલ્હીમાં 6.5 બિલિયન ડોલર તથા તેલંગાણામાં 3 બિલિયન ડોલર વિદેશી રોકાણ આવ્યું છે.
રાજ્યના ઉદ્યોગ-ખાણ વિભાગના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતે સેમિ કન્ડક્ટર જેવા ક્ષેત્રમાં જંગી રોકાણ મેળવ્યું છે અને રાજ્યમાં ઉદ્યોગોને અનુકૂળ નીતિઓ, જમીન ફાળવણીમાં સરળતા-પારદર્શિતા તેમજ વિવિધ આર્થિક પ્રોત્સાહનોને કારણે એફડીઆઈમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. 2024માં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટે પણ રાજ્યમાં રોકાણ આકર્ષવામાં મોટી ભૂમિકા ભજવી હતી, તેમ તેમણે દાવો કર્યો હતો.