ધરમપુર: ભારતના મહાન સંત શ્રીમદ્ રાજચંદ્રજીની સાર્ધ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ધરમપુરમાં યોજવામાં આવેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં ત્રીજા દિવસે પાંચમી નવેમ્બરે શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા રૂ. ૧૦૦ કરોડના ખર્ચે નવનિર્મિત ૨૫૦ બેડની અદ્યતન મલ્ટી સ્પેશ્યાલિટી સુવિધા ધરાવનારી હોસ્પિટલનું ઉદ્ઘાટન રામાયણી સંત પૂજ્ય મોરારિબાપુના હસ્તે કરવામાં આવતાં ધરમપુર અને આસપાસનાં વિસ્તારને આ સાર્ધ શતાબ્દી કાર્યક્રમની અનોખી ભેટ આપવામાં આવી હતી.
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પરના આદિવાસી વિસ્તાર ગણવામાં આવતા ધરમપુરમાં શ્રીમદ્ રાજચંદ્રજીનાં ૧૫૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ચાલી રહેલા મહોત્સવમાં સંત મોરારિબાપુએ જણાવ્યું હતું કે, રામચરિત માનસમાં વિષય, જીવસાધક અને સિદ્ધ એમ ત્રણ પ્રકારનાં જીવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તેવું દેખાય છે.
પૂજ્ય રાકેશભાઇ (ગુરુદેવ)ને તેમણે પરમ સાધક ગણાવી તેમની નિશ્રામાં હજારો જીવ તૃષ્ણા પામશે એમ જણાવી શ્રીમદ્ રાજચંદ્રજીને સિદ્ધપુરૂષ ગણાવ્યા હતા. સાથે સાથે તેમણે ઇષ્ટનું સ્મરણ, સદ્ગ્રંથનું વાંચન અને જીવનમાં સતત સદ્ગુણોના આચરણની વાતો પણ કહી હતી. આ પ્રસંગે ગુરુદેવ રાકેશભાઇ ઝવેરીએ જણાવ્યું હતું કે, અહિંસા પરમો ધર્મ છે. એમ મહાવીર સ્વામીજી કહી ગયા છે. પરંતુ બીજાનું દુઃખ દૂર કરવા આપણે શું કર્યું? એ આજના સાંપ્રત સમયની જરૂરિયાતને સમજવા જેવો મુદ્દો લાગે છે. સ્વ મંગળમાંથી સર્વના મંગળની આજે જરૂરિયાત છે. અહિંસામાં ભલે માનો પણ સાથે સાથે સંવેદના પણ કેળવો. ત્રિદિવસીય મહોત્સવ દરમિયાન દેશ વિદેશમાં ૭૦૦૦થી વધુ શ્રીમદજીના ભક્તોએ ધરમપુરમાં આવી આધ્યાત્મિક રંગે રંગાયા હતા.