ધાનેરા: ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત લોકોની મુલાકાતે આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર પર ધાનેરામાં પથ્થરમારો થયો હતો તેમજ કાળા વાવટા ફરકાવીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. રાહુલ ગાંધી પૂર્વનિર્ધારિત કાર્યક્રમ અનુસાર આજે - શુક્રવારે બનાસકાંઠા જિલ્લાના પૂરપીડિતોને મળવા અને તેમના પ્રશ્નો જાણવા આવ્યા હતા. રાહુલ ગાંધી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ધાનેરા માર્કેટ યાર્ડમાં દુકાનદારો મળવા પહોંચ્યા હતાં જ્યાં સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવીને તેમનો વિરોધ કર્યો હતો. નારાબાજીથી વાતાવરણમાં હોગોકીરો મચી ગયો હતો તેવા સમયે જ ટોળાંમાંથી કોઈએ રાહુલ ગાંધીની કાર પર પથ્થર ફેંક્યો હતો. પથ્થરને કારણે તેમની કારનો કાચ તૂટી ગયો હતો અને એસપીજીના એક જવાનના હાથે ઈજા થઈ હોવાનું પ્રાથમિક અહેવાલમાં જણાવાયું છે.
રાહુલ ગાંધીએ આ ઘટના અંગે પ્રતિભાવ આપતા કહ્યું હતું કે, પથ્થરમારો કરવાથી કે પછી મોદી... મોદીના નારાથી અમે પાછા હટવાની નથી.
રાહુલ ગાંધીની કાર પર થયેલા આ હુમલાના ઘેરા રાજકીય પ્રત્યાઘાત પડ્યા છે. કોંગ્રેસી અગ્રણીઓએ આ હુમલો ભાજપે કરાવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહમદ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેટલી હદે કથળી છે તેનો આ એક પુરાવો છે. અહમદ પટેલ સહિતના કોંગ્રેસના નેતાઓએ ગુજરાત સરકારની આકરી ટીકા કરી હતી. બીજી તરફ, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે સરકારે તો રાહુલ ગાંધીને બુલેટ પ્રુફ કાર આપવા તૈયારી દર્શાવી હતી, પરંતુ તેમણે ઇન્કાર કર્યો હતો. રાહુલ ગાંધીની કાર પર પથ્થરમારો કરવાની ઘટના વાજબી નથી. કોઇએ વિરોધ કરવામાં વિવેકની મર્યાદા ચૂકવી જોઇએ નહીં.
એક અન્ય અહેવાલ અનુસાર, રાહુલ ગાંધી કારમાં બેસીને ધાનેરાના લાલ ચોકથી હેલિપેડ તરફ જઇ રહ્યા હતા ત્યારે પથ્થરમારાની આ ઘટના બની હતી, જેમાં તેમની કારનો કાચ તૂટી ગયો હતો. આ ઘટનામાં તેમના સુરક્ષા જવાનને ઇજા પહોંચી છે. પથ્થરમારા બાદ રાહુલ ગાંધીએ કાર બદલી નાખી હતી.