કેવડિયા, ગાંધીનગરઃ નર્મદા મૈયાનું પાણી તો પારસમણિ છે એ જ્યાં પહોંચશે ત્યાં સોનું પાકશે. નર્મદાનાં નીરથી માત્ર ગુજરાત જ નહીં, પરંતુ રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના ખેડૂતો પણ સમૃદ્ધ થશે એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે સરદાર સરોવર ડેમ રાષ્ટ્રને સમર્પિત કર્યા બાદ ડભોઇમાં જાહેરસભાને સંબોધતાં જણાવ્યું હતું.
એક સપ્તાહ કરતાં પણ ઓછા સમયમાં રવિવારે - પોતાના ૬૭મા જન્મદિને - ફરી ગુજરાતની મુલાકાતે આવેલા વડા પ્રધાને શ્રેણીબદ્ધ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. કેવડિયામાં નર્મદા ડેમનું લોકાર્પણ, બાદમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી સાઇટની મુલાકાત, આ પછી ડભોઇમાં જાહેર સભાને સંબોધન, અને પછી અમરેલીમાં માર્કેટ યાર્ડ, મધ ઉછેર કેન્દ્ર સહિતના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું હતું.
સરદાર સરોવર ડેમના ૩૦ રેડિયલ ગેટ બંધ કરવાની મંજૂરી સાથે આ બંધનું કામ પૂર્ણ થતાં તેનાં લોકાર્પણ માટે ખાસ કેવડિયા આવેલા વડા પ્રધાને કેવડિયા નજીક સાધુ બેટ પર બની રહેલી સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાની કામગીરીનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે લોકો મને જાણે છે તેમ મને કોઇ નાનું કામ ફાવતું જ નથી, હું ક્યારેય નાનું વિચારતો નથી કે કોઇ નાનું કામ કરતો નથી. સવાસો કરોડ દેશવાસીઓ મારી સાથે હોય તે પછી મને નાનાં સપનાં જોવાનો અધિકાર પણ નથી. આથી સરદાર સાહેબની પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું ત્યારે જ વિચારી લીધું હતું કે આ પ્રતિમા દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા બનશે. અમેરિકાની સ્ટેચ્યુ ઓફ લિબર્ટી કરતાં પણ બમણી ઊંચી હશે.
આ પ્રસંગે તેમણે કેવડિયામાં આદિવાસી સ્વાતંત્ર્યવીરોની ગાથા કહેતાં મ્યુઝિયમનો પણ શિલાન્યાસ કરતાં કહ્યું હતું કે કેવડિયાનો સરદાર સરોવર ડેમ, સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા અને આ મ્યુઝિયમ એ બધું સાથે મળીને આ પ્રદેશને પર્યટન નકશા પર બહુ મહત્વનું સ્થાન અપાવશે. આ પ્રદેશમાં હજારો લોકોને રોજગારી પૂરી પાડશે.
આ પ્રસંગે વડા પ્રધાને સરદાર સરોવર બંધના બાંધકામ આડે આવેલી અડચણોનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે વિશ્વમાં ભાગ્યે જ કોઇ પ્રોજેક્ટને આટલાં વિધ્નોનો સામનો કરવો પડ્યો હશે. પરંતુ, એ તમામ સંકટોનો સામનો કરીને આજે આ ડેમ સાકાર થયો છે. વર્લ્ડ બેન્કે પણ એક તબક્કે આ પ્રોજેક્ટ માટે લોન આપવાની ના પાડી દીધી ત્યારે મંદિરો અને ધાર્મિક સંસ્થાઓએ તેમની તિજોરી આ ડેમ માટે ખુલ્લી મૂકી હતી. નર્મદા બંધ માટેની ગુજરાતની લડતનું નેતૃત્વ સાધુ સંતોએ કર્યું હતું.
મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ આ પ્રસંગે પોતાનાં સંબોધનમાં કહ્યું હતું કે નર્મદાનું પાણી ઉદ્યોગોને જ અપાય છે એવો અપપ્રચાર ચાલી રહ્યો છે. વાસ્તવમાં માત્ર ૮૮ ટકા પાણી સિંચાઇ માટે અપાય છે, ૧૦ ટકા પાણી પીવાના ઉપયોગ માટે ફાળવાય છે જ્યારે માત્ર બે ટકા પાણી જ ઉદ્યોગોને ફાળવાયું છે.
કેન્દ્રીય જળસંસાધન પ્રધાન નીતિન ગડકરીએ આ પ્રસંગે દેશમાં ૩૦ નદીઓને જોડવા માટે હાથ ધરવામાં આવી રહેલા પ્રોજેક્ટની માહિતી આપી હતી. નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે બંધના દરવાજા બેસાડવા તથા બંધ કરવા જેવા ઐતિહાસિક નિર્ણયો માટે વડા પ્રધાન મોદીને અભિનંદન પાઠવ્યાં હતાં.
પશ્ચિમને પાણી, પૂર્વને વીજળી
તેમણે કહ્યું હતું કે પશ્ચિમ ભારત પાણી માટે તરસે છે. જ્યારે પૂર્વ ભારતને વિકાસ માટે વીજળી અને ગેસની જરૂરિયાત છે. દેશના સંતુલિત વિકાસ માટે પશ્ચિમને પાણી અને પૂર્વને વીજળી તથા ગેસ પૂરાં પાડીને ભરત માતાની બંને ભૂજાઓને સામર્થ્યવાન બનાવવાની કામગીરી કેન્દ્ર સરકારે હાથ ધરી છે. સરદાર સરવર નર્મદા યોજના સાકાર થતા ખેડૂતોનું કલ્યાણ થશે અને એટલું જ નહીં, કરોડો લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહેશે. પરિણામે ગુજરાતમાં આર્થિક ક્રાંતિ સર્જાશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આદિવાસી સેનાનીઓનું મ્યુઝિયમ બનશે
આઝાદીમાં આદિવાસી સ્વંત્રતતા સેનાનીઓની ભૂમિકાને યાદ અપાવતાં વડા પ્રધાને જણાવ્યું હતું કે, કેવડિયા કોલોનીમાં સ્ટેટ્યુ ઓફ યુનિટીની નજીક આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓનું ડીજીટલ વર્ચ્યુઅલ મ્યુઝિયમ બનાવવામાં આવશે. દેશના જે જે રાજ્યો આદિવાસી વારસો ધરાવે છે, તે તમામ રાજ્યોમાં આવા મ્યુઝિયમ બનાવવામાં આવશે.
પ્રોજેક્ટમાં કેટલો કોંક્રિટ વપરાયો?
સરદાર સરોવર યોજના રાષ્ટ્રને સમર્પિત કરતા નરેન્દ્ર મોદીએ યોજનાની વિરાટતાનો ખ્યાલ આપતા કહ્યું હતું કે કાશ્મીરથી કન્યાકુમારી અને કંડલાથી કોહિમા તેમજ હિમાચલથી સમુદ્ર સુધી આઠ મીટર પહોળો રસ્તો બનાવવામાં આવે એટલું સિમેન્ટ કોંક્રિટ સરદાર સરોવર પ્રોજેક્ટમાં વપરાયું છે.
શાસ્ત્રોક્ત વિધિ સાથે લોકાર્પણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે ઐતિહાસિક સરદાર સરોવર નર્મદા યોજના રાષ્ટ્રને અર્પણ કરી હતી. ૧૪૪.૫૦ મીટર ઊંચા–વિશાળ સરદાર સરોવર નર્મદા બંધ પરથી નર્મદાષ્ટકમ્ સહિત સંસ્કૃત શ્લોકોના ગાન વચ્ચે વિરંચીપ્રસાદ શાસ્ત્રીજીએ નર્મદા પૂજન કરાવ્યું હતું. વડા પ્રધાન, મુખ્ય પ્રધાન સહિતના મહાનુભાવોએ નર્મદાના નીરને ફૂલોથી વધાવી, ફળ-ચૂંદડી પધરાવી હતી.
કેવડિયા કોલોની નજીકના સમગ્ર વિસ્તારને અને સરદાર સરોવર (નર્મદા) ડેમને લાલ-પીળા વસ્ત્રો અને ફુલોથી સજાવાયો હતો. નર્મદા બંધ પર મોદીનું આગમન થતાં જ નર્મદા-ભરૂચ-રાજપીપળા પાઠશાળાના ૧૦૧ ૠષિકુમારોએ નર્મદાષ્ટકનું સામૂહિક ગાન કરી મોદીને આવકાર્યા હતા.
વડા પ્રધાન કારમાં કેવડિયા પહોંચ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદી રવિવારે કેવડિયામાં નર્મદા ડેમના લોકાર્પણ પ્રસંગે ગાંધીનગર સચિવાલયથી સવારે હેલિકોપ્ટરમાં કેવડિયા જવા નીકળ્યા હતા. જોકે કેવડિયા ખાતે ખરાબ હવામાનને લીધે ડભોઇ ખાતે જ તેમના હેલિકોપ્ટરનું ઇમર્જન્સી લેન્ડિંગ કરાયું હતું. ત્યારબાદ તેઓ ડભોઇથી વાયા દેવલિયા, તિલકવાડા, ગરુડેશ્વર થઇ કારમાં કેવડિયા પહોંચ્યા હતા. આ પછી તેઓ ફક્ત ૧૫થી ૨૦ મિનિટમાં પૂજા વિધિ આટોપીને હવાઈ માર્ગે પરત ડભોઇ જાહેરસભાને સંબોધવા જવા રવાના થયા હતા.