નવરાત્રીમાં મા અંબાના સોશિયલ ડિસ્ટન્સથી દર્શન કરી મહાપ્રસાદી મેળવી શકાશે

- ખુશાલી દવે Saturday 17th October 2020 06:07 EDT
 
 

અંબાજીઃ રાજ્ય સરકારની સૂચના અનુસાર આ વર્ષે અંબાજી મંદિર પરિસરમાં ગરબાનું મોટા પાયે આયોજન કરાયું નથી. જોકે નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ભાવિકો દર્શન કરી શકશે અને મોહનથાળના પેકેટની મહાપ્રસાદી પણ મેળવી શકશે. ૫૧ શક્તિપીઠમાંથી એક આદ્યશક્તિ મા અંબાનું મંદિર અને તેમનું મૂળ સ્થાન ગબ્બર પર્વત ધામ પણ નવરાત્રીમાં ભાવિક ભક્તો માટે ખુલ્લું રહેશે. ખેડબ્રહ્મામાં અંબાજી મંદિર પણ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મુકાયું છે. અહીં પણ ભાવિકો કોરોનાની ગાઈડલાઈનને અનુસરીને દર્શન કરી શકશે અને માતાજીને પ્રસાદ પણ ચડાવી શકશે. નવરાત્રીમાં મંદિરમાં માતાજીનું ઘટ સ્થાપન, પૂજન અને આરતી થશે, પણ મંદિર પરિસરમાં પણ ગરબાના મોટા આયોજન રદ રખાયાં છે.
અંબાજી દેવસ્થાનના એડમિનિસ્ટ્રેટર અને ડેપ્યુટી કલેક્ટર સુધેન્દ્રસિંહ ચાવડા (જીએએસ)એ ૧૭મીએ જણાવ્યું કે, કોરોનાના પગલે અંબાજી દર્શન માટે પધારતા ભક્તોના આરોગ્યની સલામતી પર આ નવરાત્રીએ વિશેષ ભાર મુકાયો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા રાજ્ય સરકારની કોવિડ-૧૯ અંગેની માર્ગદર્શિકા મુજબની તમામ સુવિધા અને વ્યવસ્થા મંદિર પરિસર અને મૂળ સ્થાન શક્તિપીઠ ગબ્બર પર્વતે કરાઈ છે. આ ઉપરાંત સ્થાનિક લોકો, ઓટો અને ટેક્સી ચાલકો, ધર્મશાળા અને હોટલો દ્વારા દર્શનાર્થીઓને કોરોનાથી બચાવવા માટેના સ્વાસ્થ્ય સંબંધી પગલાં લેવાયાં છે. અંબાજી મંદિર અને ગબ્બર પરિસરને નિયમિત સેનેટાઈઝ કરાઈ રહ્યું છે. આ ઉપરાંત અંબાજી પરિસરમાં બે મેડિકલ ટીમને સાબદી રખાઈ છે.
નવરાત્રીમાં ભક્તોની આવજ-જાવન વધુ રહેવાની શક્યતાઓ હોવાથી કોરોનાના કારણે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો છે. પોલીસ - એસઆરપી સહિત મંદિર પરિસરમાં ૧૪૫ સુરક્ષાકર્મીઓ હાજર રખાયાં છે અને ૭૫ સેફ્ટી પોઈન્ટ્સ છે.
સુધેન્દ્રસિંહ ચાવડાએ વધુમાં જણાવ્યું કે, લોકડાઉન બાદ ૮૫ દિવસ બંધ રહ્યા પછી હવે નવરાત્રીના તહેવારમાં મંદિર પરિસરમાં સરકારની ગાઈડલાઈન પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે માસ્ક પહેરીને સેનેટાઈઝરના ઉપયોગ અને વ્યક્તિગત સ્ક્રિનિંગ બાદ ભાવિકોને પ્રવેશ અપાઈ રહ્યો છે. મંદિરમાં સેનેટાઈઝરના ઉપયોગ બાદ જ પ્રવેશ માટે પરિસરમાં ઠેર – ઠેર સેનેટાઈઝ પોઈન્ટ પણ મુકાયાં છે.
આ સાથે સુધેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે, ૧૦ વર્ષથી ૬૫ વર્ષના ભાવિકોને મંદિરમાં પ્રવેશ નથી, પણ તેઓ પોતાના ઘરે જ આદ્યશક્તિના લાઈવ દર્શન-આરતીનો લાભ મેળવી શકશે.

મંદિરમાં દર્શન માટેનો સમય

• સવારે ૮થી ૧૧.૩૦
• બપોરે ૧૨.૩૦ થી ૪.૧૫
• સાંજે ૭.૦૦થી રાત્રે ૯.૦૦

લાઈવ દર્શનમાં જોડાવા માટેની લિંક

ફેસબુક – Ambaji temple official
યુ-ટ્યુબ - Ambaji temple official
વેબસાઇટ – ambajitemple.in


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter