નવી દિલ્હીઃ દેશના અગ્રણી ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ તાજેતરમાં એવા બાઈકનો વીડિયો ટ્વિટ કર્યો હતો કે જે પેટ્રોલ-ડીઝલ વગર ચાલે છે. આ બાઇકની પ્રશંસા કરતા મહિન્દ્રાએ જણાવ્યું હતું કે આ પ્રકારની બાઇકમાં મોટા ઉદ્યોગની તક સમાયેલી છે. આ બાઇક સોલાર પાવરથી ચાલે છે બાઈકમાં સોલાર પેનલ પણ ફિટ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે બાઇક સિવિલ એન્જિનિયર જીગર પટેલે બનાવી છે. આ બાઇકને ચલાવવા માટે કોઈ પણ પ્રકારના ઇંધણની જરૂર પડતી નથી. વીડિયોને પોસ્ટ કર્યા બાદ આનંદ મહિન્દ્રાએ લખ્યું, વૈશ્વિક જલવાયુ કાર્યવાહી સમિટ ૨૦૧૮ના ઉપપ્રમુખ તરીકે મારો સંદેશ છે કે સસ્ટેનેબિલિટી વિશ્વની બીજી સૌથી મોટી વ્યવસાયિક તક છે. તેથી મને આ વીડિયો નિહાળી ખુશી થઇ. આ વીડિયો જણાવે છે કે ભારતના નાના ઇનોવેટર્સ બદલાતા વ્યવસાય ચક્ર સાથે આ તકનો લાભ લઈ શકશે. ઉલ્લેખનીય છે કે બાઇક સિવિલ એન્જિનિયર જીગર પટેલે બનાવી છે. બાઇકની પાછલી સીટ અને હેન્ડલ આગળ સોલર પેનલ ફિટ કરાઈ છે. જો સૂર્યનો સીધો પ્રકાશ મળે તો બાઈક ૬૫ કિ.મી. પ્રતિ કલાકની સ્પીડથી ચાલી શકે છે. આ બાઈકની ખાસિયત એ પણ છે કે બાઈક બિલકુલ અવાજ નથી કરતી અને કોઇ પણ ખર્ચ વગર તમને મુસાફરી કરાવે છે.