ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને સવા વર્ષનો જ સમય બાકી છે ત્યારે ફરી એક વાર આ ચૂંટણીઓ જીતવાની બાબત, પહેલી જ વિધાનસભા ટર્મમાં મુખ્ય પ્રધાન બનેલા ભૂપેન્દ્ર પટેલનો લિટમસ ટેસ્ટ તો છે જ, પણ એ સાથે આવતા દિવસોમાં પાર્ટીમાં સિનિયરોને સાથે લઈને ચાલવાના, બ્યૂરોક્રસીને અંકુશ રાખવાના, સંઘ-સંગઠન-સરકાર વચ્ચે સંકલન સાધવાના તેમજ કોંગ્રેસ છોડીને આવેલા ઉપર કાબૂ સાથે તેમના તરફનો પાર્ટીમાંનો અંસતોષ દૂર કરવાના જટિલ મુદ્દાઓ પણ પદનામિત મુખ્ય પ્રધાન માટે મોટા પડકારરૂપ છે.
ભૂપેન્દ્ર પટેલ નવાસવા ધારાસભ્ય છે. ચૂંટણી આડે તેમની પાસે કોઈ ખાસ સમય બચ્યો નથી, એવામાં વિદાય લેતા મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ, કેબિનેટ પ્રધાનો - ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા-કૌશિક પટેલ જેવા સિનિયર પ્રધાનો તો હવે નવા પ્રધાનમંડળમાં નહીં જ હોય એવી ચર્ચા છે પણ ધારાસભ્યપદે તો રહેવાના જ છે, ત્યારે એમને માન-સન્માન આપી સાથે લઈને ચાલવાની બાબત હોય કે પછી રણછોડ ફળદુ, સૌરભ પટેલ, પ્રદીપસિંહ જાડેજા જેવા અન્ય પ્રધાનો સહિત ધારાસભ્યોની સિનિયોરિટી સ્વીકારી, તેમના સલાહસૂચન મેળવી, તેમને સાથે રાખવાની બાબત હોય - ભૂપેન્દ્ર પટેલ માટે આ મુદ્દો પાતળા રસ્સા ઉપર બેલેન્સિંગ કરીને ચાલવાની બાબત બની રહેશે.
બીજો મોટો પડકાર આઇએએસ-આઇપીએસ ઉપર અંકુશ રાખવાને લગતો છે. ભૂપેન્દ્ર પટેલ પાસે સ્ટેન્ડિંગ કમિટીનો અને ‘ઔડા’નો અનુભવ છે, પણ બ્યૂરોક્રસીનો કોઈ અનુભવ નથી. આ સંજોગોમાં અધિકારીઓ તેમની ઉપર હાવી ના બની જાય અને અયોગ્ય નિર્ણયો લેવાઈ જાય તે બાબતે વહીવટમાં નવાસવા ભૂપેન્દ્ર પટેલે ચોકન્ના રહેવું પડશે.
ભૂપેન્દ્ર પટેલ માટે રાત ટૂંકી છે અને એમાં એમણે વેશ ઝાઝા કરવાના છે. વિધાનસભાની ચૂંટણી જીતવા માટે નેતૃત્વ પરિવર્તન થયું છે. ચૂંટણી જીતાડવાની મોટી જવાબદારી એમના ઉપર લાદવામાં આવી છે, એટલે પોતાની પસંદગી યોગ્ય રીતે જ થઈ છે, એ એમણે સાબિત કરી આપવાનું છે. આ સંજોગોમાં સંઘ પરિવારના વિવિધ ઘટક દળો - પાર્ટીના સંગઠન તેમજ સરકાર વચ્ચે તાદાત્મ્ય-સંગઠન સાધવાનો મોટો પડકાર તેમની સામે છે.
કોંગ્રેસમાંથી આવેલા મોટા ગજાનાં નેતાઓ - કુંવરજી બાવળિયા, જયેશ રાદડિયા, જવાહર ચાવડા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સરકારમાં મંત્રીપદ ભોગવે છે. આ સિવાય બીજા પણ કેટલાક કોંગ્રેસી ગોત્ર ધરાવતા ધારાસભ્યો-આગેવાનોને પદ સાથે માન-મરતબો મળી રહ્યો છે. આ બધા સામે મૂળ ભાજપના ધારાસભ્યો-આગેવાનોમાં છૂપો રોષ વ્યાપેલો છે, જે દૂર કરવાનો પણ મોટો પડકાર નવા મુખ્ય પ્રધાને પાર પાડવાનો છે.