નશીલા પદાર્થોની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ

Saturday 20th November 2021 05:30 EST
 
 

અમદાવાદઃ વિશ્વસ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ બની રહ્યો છે. આ બાબતથી દેશની એજન્સીઓ અને ગુજરાત એટીએસ સતર્ક હોવાથી છેલ્લા પાંચ જ વર્ષમાં ૩૦ હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ માફિયા આયોજનબધ્ધ નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. ગુજરાતના બંદરથી ટ્રાન્સપોર્ટ મારફતે આ જથ્થો દેશના બીજા બંદર ઉપર પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે છે. એક્સપોર્ટ, ઈમ્પોર્ટ થકી ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરાય છે તેમાં કોઈ એક-બે બંદર નહીં ગુજરાતના કુલ ૪૨ બંદરમાંથી કોઈ પણ બંદરનો ઉપયોગ થઈ શકે છે તેમ જાણકારોનું કહેવું છે.
અત્યાર સુધીમાં નથી પકડાયો તેટલો ૨૧૦૦૦ કરોડની કિંમતના ડ્રગ્સનો વિશાળ જથ્થો મુંદ્રા બંદરથી પકડાયો છે. આ જથ્થો ગુજરાત માટે કે દિલ્હી, મુંબઈ કે દેશના અન્ય રાજ્ય માટે હોવાની વાતો થઈ રહી છે. જોકે, સત્તાવાર સૂત્રો નામ નહીં આપવાની શરતે કહે છે કે ડ્રગ્સનો આ જથ્થો દેશના અન્ય રાજ્યમાં જવાનો હતો એ ચોક્કસ છે પણ ગુજરાત કે દેશના બીજા રાજ્યમાં જ આ ડ્રગ્સનો ઉપયોગ થવાનો હતો તે ચોક્કસપણે કહી ન શકાય. કારણ એ છે કે, ડ્રગ્સ માફિયાઓ ગુજરાતના બંદરોનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરતાં થયાં છે.
૯૦ ટકા ડ્રગ્સનું ઉત્પાદન અફઘાનિસ્તાનમાં થાય છે. અફઘાનિસ્તાનમાં દરિયો ન હોવાથી ઈરાન સહિતના અરેબિયન કન્ટ્રીના બંદર અને પેઢીઓમાંથી ડ્રગ્સનું વેચાણ અને હેરાફેરી થાય છે. તાજેતરમાં જ ગુજરાતના મુંદ્રાથી પકડાયેલું ડ્રગ્સ હોય કે પોરબંદરમાંથી પકડી પડાયેલો ડ્રગ્સનો જથ્થો હોય, આ તમામ જથ્થો ગુજરાતમાં આવ્યો પણ ખપત થવાની નહોતી.
સૂત્રો કહે છે કે, ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયા ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરી રહ્યાં છે. ખાસ કરીને ગુજરાતના ૧૬૦૦ કિલોમીટરના દરિયાકાંઠા ઉપર આવેલા ૪૨ બંદરોમાંથી ૧૭ નોન-મેજર પોર્ટ છે કે જે કાર્ગો હેન્ડલ કરે છે. આવા બંદરો ઉપર અરેબિયન કન્ટ્રીમાંથી બીજા કોઈ સામાન સાથે હેરોઈન કે અન્ય ડ્રગ્સ ગુજરાતના બંદર ઉપર કન્ટેનરમાં ઉતારાય છે. ગુજરાતથી ટ્રાન્સપોર્ટમાં આ કન્ટેનર દેશના દક્ષિણ કે પૂર્વના બંદર વિસ્તારની કોઈ પેઢીમાં જાય છે. આ કન્ટેનર દક્ષિણ કે પૂર્વ વિસ્તારમાંથી એક્સપોર્ટ થાય છે. ભારતથી સામાન એક્પોર્ટ કરવામાં આવ્યો હોય તેમ કન્ટેનર રવાના કરવામાં આવે અને એ રીતે ડ્રગ્સનો જથ્થો જે - તે દેશમાં પહોંચતો કરી દેવામાં આવે છે. ગુજરાતના બંદરો ઉપર એકસ્પોર્ટ અને ઈમ્પોર્ટ થકી વેપાર સતત વધી રહ્યો છે અને તમામ કન્ટેનરનું ઊંડામાં ઊંડું ચેકીંગ કરવું શક્ય નથી. આ બાબતનો ગેરલાભ લઈને ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો ઉપયોગ ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે કરવામાં આવે છે.
જો કે, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન ડ્રગ્સની હેરાફેરી મામલે ગુજરાત એટીએસ સતર્ક બની છે. આ પછી એટીએસ સાથે કોસ્ટ ગાર્ડ, નેવી સહિતની એજન્સીઓ સંકલિત કામગીરી કરવા લાગી છે. હવે, ડીઆરઆઈ અને કસ્ટમ્સ જેવી એજન્સીઓ પણ સક્રિય બની છે. મોટા ભાગની કેન્દ્રિય એજન્સીઓ પણ મુંદ્રા અને પોરબંદરના ડ્રગ્સ કાંડ પછી સતર્ક બની છે. સૂત્રો કહે છે કે, આવનારાં દિવસોમાં માલસામાનની દરિયાઈ રસ્તે હેરાફેરીના મામલે આવનારાં દિવસોમાં નવી કડક પોલિસી ઘડાઈ શકે છે.
ભારત ૭૫૦૦ કિલોમીટરની કોસ્ટલાઈન ધરાવે છે અને ૨૦૦ મેજર- નોનમેજર પોર્ટ છે. આ પૈકીના ૧૨ મેજર પોર્ટ ઉપર જ ૬૦ ટકાથી વધુ ટ્રાફિક છે. જો ગુજરાત અને દેશની એજન્સીઓ સંયુક્ત કાર્યવાહી કરશે તો વિશ્વને ડ્રગ્સના દુષણમાંથી મુક્તિનો નવો અધ્યાય આલેખાઈ શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છનો દરિયો સોફ્ટ ટાર્ગેટ
છેલ્લા ત્રણ વર્ષથી કચ્છ અને જામનગરના દરિયાઇમાર્ગેથી નાર્કોટિકસનો વિપુલ જથ્થો ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ઘૂસાડવામાં આવી રહ્યો છે, તે જોતાં ગુજરાત ડ્રગ્સની દાણચોરી અને ઘૂસણખોરી માટે મોકળું મેદાન અને હબ પણ બની ગયું હોવાની ચિંતા વધવા માંડી છે. પાછલા ત્રણ વર્ષમાં જ કચ્છ, જામનગર અને પોરંબદરના દરિયા માર્ગેથી અત્યાર સુધી પાકિસ્તાનીઓ અને સ્થાનિક લોકોની મદદથી ઘુસાડવામાં આવેલો ૫,૭૫૬ કિલોથી વધુ નાર્કોટિકસનો ­જથ્થો કબજે કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા તમામ કેસોની તપાસ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ને સોંપી હતી. જેમાં ઈટલીમાં બેઠેલા ઈન્ટરનેશલ ડ્રગ્સ રેકેટર સિમરનજીતસિંહ સંધુ નાર્કોટિકસનો જથ્થો કેવી રીતે ભારતમાં ઘુસાડીને અન્ય દેશોમાં મોકલવો તેનું સંચાલન પંજાબના સુખબીરસિંઘ ઉર્ફે હેપી લખબીરસિંહ મારફતે કરી રહ્યો છે. એનઆઈએ દ્વારા ઈટલીમાં ડ્રગ્સ રેકેટર સિમરનજીતસિંહ સંધુ રેડકોર્નર નોટીસના આધારે અટકાયત કરીને પુછપરછ કરી રહ્યા છે. બીજી તરફ એનઆઈએની તપાસમાં એવી પણ વિગતો બહાર આવવા પામી છે કે, સુખબીરસિંહ ઉર્ફે હેપી અફઘાનમાં અરમાન સાથે ઘરોબો ધરાવતો હોય તેના મારફતે અફઘાનથી ડ્રગ્સ શુધ્ધ કરાવવા મગાવતો હતો. આરોપી સુખબીરસિંહના વોટસએપના મેસેજમાં ભારતના પણ ડ્રગ્સ ડીલરોના નામો ખુલ્યા હતા.
કચ્છના મુંદ્રા પોર્ટ ઉપરથી ટેલ્કમ પાવડરના બે કન્ટેનરમાંથી ૨૧ હજાર કરોડનું હેરોઈન અને બાદમાં ઈરાની ખલાસીઓ સાથેની બોટમાં ૩૦ કિલો હેરોઈન ઝડપાયા બાદ હવે ખંભાળિયા-સલાયામાંથી ડ્રગ્સ ઝડપાયું છે. સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલા રિમોટ પોઈન્ટ ઉપર હંમેશા ડ્રગ્સ માફિયાઓનો ડોળો રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter