અમદાવાદઃ પહેલો કિસ્સો... વડોદરામાં ત્રણ સભ્યોના પંચાલ પરિવારે જાતે જ જીવન ટૂંકાવી નાંખ્યું. ઘરના 45 વર્ષના મોભી મુકેશભાઇએ ઝેરી દવા પી લઇને જાતે જ બ્લેડ વડે ગળું કાપ્યું. 43 વર્ષનાં પત્ની નયનાબહેને ઝેરી દવા પી લીધી. અને ઘરેથી શેરબજારનું કામ કરતાં 25 વર્ષના પુત્ર મિતુલે ગળેફાંસો ખાધો. મુકેશભાઇની મહિને સાડા સાત હજાર રૂપિયાની આવક હતી, અને સાડા ચાર હજાર રૂપિયાનું મકાનભાડું ચૂકવતા હતા! સામૂહિક આત્મઘાતી પગલું ભરવાનું કારણ હતું - નાણાંભીડ. ઘરમાંથી મળેલી ડાયરીમાં લખ્યું છે કે ખાવાના કે ભાડું ભરવાના પણ પૈસા નથી.
બીજો કિસ્સો... મુંબઇમાં હિન્દી ફિલ્મઉદ્યોગના જાણીતા આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઇએ પોતાના જ ડ્રીમ પ્રોજેક્ટ એવા એનડી ફિલ્મ સ્ટુડિયોમાં ગળેફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યું. નવ-નવ વખત ફિલ્મફેર એવોર્ડ સહિત અનેક પુરસ્કારથી સન્માનિત નીતિનભાઇએ 198 ફિલ્મો, 200 ટીવી સિરિયલ અને 350 ગેમ શોના સેટ ડિઝાઇન કર્યા હતા. આવા પ્રતિભાશાળી નીતિનભાઇએ અંતિમ શ્વાસ લીધા ત્યારે માથે 250 કરોડ રૂપિયાનું દેવું હતું. ભવ્યાતિભવ્ય સ્ટુડિયો બનાવવાની ઝંખનામાં નાદારીના આરે પહોંચી ગયા હતા. લેણદારોએ બાકી લેણાં વસૂલવા કાયદાકીય પ્રક્રિયા શરૂ કરતાં ચિંતાતુર હતા.
આત્મહત્યાના કિસ્સા ભલે અલગ અલગ શહેરના હોય, પીડિતોની આર્થિક સજ્જતા અને ફેમિલી બેકગ્રાઉન્ડ પણ ભલે જુદા જુદા હોય, પરંતુ કારણ કોમન છે - નાણાંભીડ. મુકેશભાઇ અને નીતિનભાઇ - બન્નેને અણઘડ આર્થિક આયોજન નડી ગયું એમ કહી શકાય. ગુજરાત સહિત દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી નાણાંભીડના કારણે જીવન ટૂંકાવવાના કિસ્સા વધી રહ્યા છે. ક્યાંક વ્યક્તિ સમય-સંજોગ કે દેખાદેખીના કારણે ખેંચાઇને ખર્ચા કરી રહી છે તો કોઇ વળી પોતાની ઇચ્છા-અરમાનને સાકાર કરવા સર્વસ્વ દાવ પર લગાવી રહ્યું છે. છેવટે આર્થિક હાલત વિકટ બને છે ત્યારે તેમાં આબરૂ-પ્રતિષ્ઠાની ચિંતા ઉમેરાય છે. વ્યક્તિ આ બેવડી ભીંસ સામે ટકી નથી શકતી ત્યારે મહામૂલું જીવન ટૂંકાવી નાંખે છે.
ગુજરાતીમાં કહેવત છે કે પછેડી પ્રમાણે સોડ તાણવી. આર્થિક સલાહકારો કે મનોચિકિત્સો પણ આ જ કહે છે કે બન્ને કિસ્સામાં આવી કાળજી લેવામાં ચૂક થઇ છે. શહેરની સત્ય વેલ્થ સર્વીસના ફાઇનાન્સિયલ એડવાઇઝર હર્ષિત પરીખ કહે છે, ‘મારી જરૂરત કે અપેક્ષાઓ ઘણાં વધારે હોઇ શકે છે, પરંતુ તેને સંતોષવા માટે મારે મારી આવકના સ્ત્રોત અને કૌટુંબિક જવાબદારીઓને પણ ધ્યાનમાં રાખવા રહ્યા. આવક - જાવકની અસમતુલા સર્જાય ત્યારે વાત વણસતી હોય છે. વાસ્તવિક્તાને નજરઅંદાજ કરીને આયોજન થાય છે ત્યારે વ્યક્તિ આર્થિક કટોકટીના દલદલમાં એવી ફસાય છે કે તેના માટે તેમાંથી બહાર નીકળવું મુશ્કેલ થઇ જાય છે. મુશ્કેલીનું ભાન થાય છે ત્યારે સ્થિતિ અંકુશ બહાર જતી રહી હોય છે. વડોદરાના સામૂહિક આપઘાતના કેસમાં અને સેલિબ્રિટી આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઇની આત્મહત્યાના કેસમાં આવું જ બન્યું જણાય છે.’ હર્ષિતભાઇ ફિલોસોફિકલ અંદાજમાં કહે છે કે આવકને ધ્યાનમાં રાખશો ને અપેક્ષાઓને અંકુશમાં રાખશો તો રાત્રે નિરાંતે સૂઇ શકશો.
જોકે માત્ર નાણાંભીડ જ નહીં, સામાજિક શરમ અને નિષ્ફળતા - હતાશાની તીવ્ર લાગણી પણ વ્યક્તિને આત્મઘાતી પગલું લેવા તરફ દોરી જાય છે. સુરતસ્થિત ગુજરાતના જાણીતા મનોચિકિત્સક ડો. મુકુલ ચોકસી કહે છે, ‘વ્યક્તિ જીવન ટૂંકાવવા જેવું આત્યંતિક પગલું ભરે છે તેના મૂળમાં અનેક કારણો જવાબદાર હોય છે. નાણાકીય કટોકટીનો ભોગ બનેલી દરેક વ્યક્તિ કંઇ જીવન ટૂંકાવી નાંખે છે તેવું નથી. કરોડોના દેવાદારો પણ - લાજશરમ નેવે મૂકીને - જલ્સાની જિંદગી જીવે જ છે ને..! વ્યક્તિ નાણાંકીય ભીંસમાં મૂકાય એટલે ચિંતા શરૂ થાય, આ મનોસ્થિતિ સમયના વહેવા સાથે સ્ટ્રેસ, ફ્રસ્ટ્રેશન અને ડિપ્રેશનમાં પરિણમતી હોય છે. આ તબક્કે તેનું ઘડતર - ઉછેર મહત્ત્વની ભૂમિકા ભજવતા હોય છે. જો બાળપણથી જ તેનું ઘડતર હોતી હૈ - ચલતી હૈના અભિગમ સાથે થયું હશે તો તે ગમેતેવા વિપરિત સંજોગોમાં પણ ટકી જશે, જીવન ટૂંકાવવાનું પગલું નહીં ભરે. પણ જો તેના ઉછેરમાં સામાજિક મૂલ્યો - પરંપરા - પ્રતિષ્ઠાને મહત્ત્વ અપાયું હશે તો તે પરિવારની આબરૂને કલંક લાગશે તેવું વિચારીને ભારે દબાણ હેઠળ આવી જશે. આખરે તે સામાજિક શરમના કારણે, આબરૂ-પ્રતિષ્ઠા ગુમાવવાના ભયે જીવન ટૂંકાવવા જેવું પગલું ભરી બેસે છે.’
ડો. ચોકસી વધુમાં કહે છે કે આજે જમાનો બહુ ફાસ્ટ થઇ ગયો છે. વ્યક્તિ કોઇ વાતે આયોજન કરે અને તેનો અમલ થાય ત્યાં સુધીમાં તો ઘણું બધું બદલાઇ જતું હોય છે. પરિણામે દેવાનો બોજ ખડકાય છે અથવા તો એસેટ ઘટી જાય છે ને લાયેબિલીટી વધી જાય છે. આવું થાય છે ત્યારે મન પરનો બોજ બહુ વધી જાય છે. આની સામે કોઇ ટકી જાય છે, તો કોઇ તૂટી જાય છે. નીતિન દેસાઇના કિસ્સામાં પણ આવું જ થયું છેને?! તેમણે આલિશાન સ્ટુડિયોનું સપનું સાકાર તો કર્યું, પણ જમાનો વીએફએક્સ (વિઝ્યુઅલ ઇફેક્ટ્સ) ટેક્નોલોજીનો આવી ગયો. આની અસર સ્ટુડિયો થકી થનારી કમાણી પર પડી હોય તેવું બની શકે છે.
મનોચિકિત્સક ઉપરાંત સાહિત્યકાર તરીકે પણ આગવી નામના ધરાવતા ડો. ચોકસી કહે છે કે જીવન કેવી રીતે જીવવું તે વ્યક્તિના દૃષ્ટિકોણ પર આધાર રાખે છે. પચ્ચીસ હજાર કમાતી વ્યક્તિ પણ આનંદથી જીવતી હોય છે ને લાખો કમાતી વ્યક્તિને પણ અછત વર્તાતી હોય છે. દેખાદેખી કે વાસ્તવિક્તાને નજરઅંદાજ કરીને થયેલું આયોજન વ્યક્તિને આખરે નિરાશા - હતાશા - નકારાત્મકતા તરફ દોરી જાય છે. જીવન પ્રત્યે જેટલો વાસ્તવિક અભિગમ હશે તેટલું જીવન સરળ અને સુખી હશે.