સુરત: રવિવારે અખિલ ભારતીય હિંદુ મહાસભાના કેટલાક સભ્યોએ રાષ્ટ્રપિતા ગાંધીબાપુના હત્યારા નાથુરામ ગોડસેની જન્મજયંતીની ઉજવણી કરતા ૮ જણા સામે ગુનો નોંધી લિંબાયત પોલીસે છ જણાની ધરપકડ કરી હતી. નાથુરામ ગોડસેનો ૧૯મી મેએ જન્મદિવસ હતો. લિંબાયતના સંજયનગર સ્થિત સૂર્યમુખી હનુમાન મંદિરમાં અખિલ ભારતીય હિંદુ મહાસભાના આઠેક કાર્યકરોએ ગાંધીજીના હત્યારા નાથુરામ ગોડસેના જન્મ દિવસની ઉજવણી કરી હતી.
આ દિવસે દીપક પ્રગટાવી નાથુરામના ફોટોની આરતી કરીને મીઠાઈ વહેંચી હતી. લોકસમુદાયની લાગણીને ઠેસ પહોંચાડતો આ ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયામાં ફરતો કરાયો હતો. આ વીડિયો ફરતો થતાં વિરોધ પક્ષ કોંગ્રેસે સરકારને ભીંસમાં લીધી હતી.
જોકે રાજ્ય સરકારે સુરત પોલીસ કમિશનર સતીષ શર્માને તાત્કાલિક ગુનો દાખલ કરવા સૂચના આપી હતી. આ મુદ્દે સરકારનો તર્ક છે કે, મહાત્મા ગાંધી તમામ દેશવાસીઓ માટે રાષ્ટ્રપિતા તરીકે સન્માનનીય તથા અન્ય રાષ્ટ્રોમાં પણ સન્માનનીય વ્યક્તિ હોવાનું જાણવા છતાં તેમના હત્યારાના જન્મ દિવસની ઉજવણી કરી હત્યારાને માન અને ખોટી પ્રસિદ્ધિ આપી હતી.
સરકારની સૂચના બાદ લિંબાયત પોલીસે વીડિયોમાં દેખાતાં ચહેરાઓના આધારે આઠ જણા વિરુદ્ધ ગુનો દાખલ કરીને હિરેન મશરૂ, વાલાભાઈ મેર, વિરલ માળવી, હિતેશ સોનાર, યોગેશ પટેલ અને મનીષ કલાલની ધરપકડ કરી છે. આ ગુના હેઠળ આરોપીઓને વધુમાં વધુ પાંચ વર્ષની સજા થઈ શકે છે.